મતદાન જાગૃતિ અંતર્ગત નર્મદા જિલ્લાની શાળાઓમાં યોજાઈ મતદાન જાગૃતિ રેલી
(માહિતી) રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર, ૨૦૨૨ ને ગુરૂવારના રોજ યોજાનારી ચૂંટણી સંદર્ભે જિલ્લાનો એક પણ નાગરિક લોકશાહીના આ મહાપર્વમાં મતદાનથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટિવીટીના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી.ભૂસારાની રાહબરી હેઠળ સ્વીપ એક્ટિવીટીની સરાહનીય કામગીરી કરાઈ રહી છે. શાળાના બાળકો હોય કે ગ્રામજનો સૌને લોકશાહીના પર્વમાં પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા માટે મતદાનનું મહત્વ સમજાવી જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
નર્મદા જિલ્લામાં પ્રત્યેક શાળાઓમાં ચૂંટણીલક્ષી અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે, જેનો મુખ્ય ઉદેશ બાળકો સાથે વાલીઓમાં પણ મતદાન અંગે જાગૃતિ આવે તેવો છે. મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજરોજ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સવારે એક સાથે ઠેર ઠેર વિદ્યાર્થીઓની વિશાળ રેલી યોજાઈ હતી. આ રેલીના ભાગરૂપે શહેરી અને ગ્રામ્યકક્ષાની શાળાઓ પણ એક સાથે પોત-પોતાના ગામ અને શહેરમાં સહભાગી બની “હું મારો વોટ વટથી આપીશ”, “પાયાની લોકશાહીનું જળવાશે માન-જ્યારે આંગળી પર લાગશે નિશાન-અમે સૌ એક સમાન”, “છોડો અપને સારે કામ-પહલે ચલો કરેં મતદાન”, “વોટ કરેં વફાદારી સે-ચયન કરેં સમજદારી સે”, “મતદાન મહાદાન”, “તમારો અમૂલ્ય મત આપવાનું ભૂલશો નહીં”, “યુવાઓનું મહાદાન એ લોકશાહીની શાન છે”, “મતદાનનું મૂલ્ય સમજીએ-મતદાનની તક ના ગુમાવીએ”, જેવા પોસ્ટર્સ અને સૂત્રોચ્ચાર સાથે વિદ્યાર્થીઓએ નાગરિકોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
નર્મદા જિલ્લાના વડામથક રાજપીપલા ખાતે મતદાન જાગૃતિ અભિયાનની અસરકારક કામગીરીના ભાગરૂપે શ્રી અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલ-રાજપીપલા અને કલરવ માધ્યમિક શાળા–રાજપીપલાના વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીચોકથી યોજાયેલી રેલીને ૧૪૮-નાંદોદ વિધાનસભાના ચૂંટણી અધિકારીશ્રી અને નાંદોદના પ્રાંત અધિકારીશ્રી શૈલેષ ગોકલાણીના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ સમયે સ્વીપ એક્ટિવિટીના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી. ભૂસારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી જયેશભાઈ પટેલ સહિત અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી કોલેજરોડ પરથી પસાર થઈ હતી. જ્યારે શ્રી એમ.આર.વિદ્યાલય-રાજપીપલા અને એસ.આર.મહીડા કન્યા વિનય મંદિરના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ દ્વારા એમ.આર.વિદ્યાલયથી રાજેન્દ્રનગર સોસાયટી થઈને સંતોષ ચાર રસ્તા અને હરસિદ્ધી માતાના મંદિર થઈને આંબેડકર ચોક પાસે સમાપન કરવામાં આવ્યું હતું.