Western Times News

Gujarati News

વડોદરા જિલ્લામાં ચૂંટણીમાં ફરજનિષ્ઠ પોલીસ જવાનોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની આવનાર સામાન્ય ચૂંટણીને ધ્યાને રાખી વડોદરા જિલ્લા તથા શહેરમાં ચુંટણી દરમ્યાન મતદાર સુવિધા તથા બંદોબસ્ત જેવી અગત્યની ફરજ બજાવનાર પોલીસ જવાનો તેમજ અન્ય ચૂંટણી કર્મીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે હેતુથી વડોદરા શહેર તેમજ સમગ્ર જિલ્લામાં લગભગ ૧૦ જેટલી ફાળવેલ વિવિધ ફેસિલિટેશન સેન્ટર પર પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરા શહેર તેમજ જિલ્લામાં ચૂંટણી કર્મીઓના મતદાન માટે થનાર ફેસિલિટેશન સેન્ટર અંતર્ગત મકરપુરા ખાતે આવેલી ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલ તેમજ લાલબાગ ખાતેના પોલીસ તાલીમ શાળા ખાતેના ફેસિલિટેશન સેન્ટર પર મોટાભાગના પોલીસ જવાનો, અધિકારીઓ, કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મત આપીને એક જાગૃત નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરી હતી.લાલબાગ ખાતેના ફેસિલિટેશન સેન્ટર પર વડોદરા જિલ્લાના મોટાભાગના તમામ તાલુકાઓ તેમજ મોટાભાગના શહેરી વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

ફેસિલિટેશન સેન્ટર ખાતે ફોર્મ કઈ રીતે ભરવું અને પોસ્ટલ બેલેટથી મત આપતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો પણ સમજાવવામાં આવતી હતી. જેથી કરીને કોઈને પણ ફોર્મ ભરવા કે મત આપવામાં કોઇપણ પ્રકારની અડચણ થાય નહીં.જેમકે કવર – બી કે જેને નાનું કવર પણ કહી શકીએ તેમજ ૧૩ – એ ના એકરાર મતપત્રનો ક્રમાંક લખવો,મતદાતાની સહી કરવી તેમજ ગેઝેટેડ અધિકારીની સહી કરાવવી ત્યાર બાદ મત કુટિરમાં જઈને પોતાની પસંદગીના નેતાને પોતાનો મત આપવો, કવર – બી માં મતપત્ર મૂકીને કવર બંધ કરવું, કવર – બી તેમજ એકરાર પત્રને મોટા ગુલાબી કવરમાં મૂકીને સિલબંધ કરીને છેલ્લે મતપેટીમાં નાખી આખી પ્રક્રિયા પૂર્ણ કરવી.આ ઉપરાંત ફેસિલિટેશન સેન્ટર પર મત આપવા આવનાર દરેક મતદાતા માટે સુંદર વ્યવસ્થા કરાઇ હતી.

પોસ્ટલ બેલેટના નોડલ ઓફિસર સુશ્રી નયના પાટડિયાએ જણાવ્યું કે આજની આ પોસ્ટલ બેલેટની પ્રક્રિયા સવારે ૮ વાગ્યા થી લઈને સાંજના ૫ વાગ્યા સુધી અવિરતપણે ચાલુ રહશે. અંતે એ દરેક મતપેટીઓને સ્ટ્રોંગ રૂમ ખાતે સિક્યોરીટી સાથે લઈ જવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.