પ્રથમ તબક્કામાં જ્યાં મતદાન થવાનું છે ત્યાં આજે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 માં પ્રથમ તબક્કાના 19 જિલ્લાઓમાં તા. 1 ડિસેમ્બર, 2022 ના મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે તારીખ 29.11.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ રહેશે.
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1951 ની કલમ-126 મુજબ મતદાન પૂરું થવાના કલાક સાથે પૂરા થતા 48 કલાક એટલે કે, મતદાન પૂર્ણ થવાના સમય પૂર્વેના 48 કલાકના સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ છે. જે તે મત વિભાગના મતદાર ન હોય તેવા
અને મત વિભાગમાં પ્રચાર અર્થે બહારથી આવેલા કોઈ પણ પક્ષના રાજકીય કાર્યકર્તા, પક્ષના પ્રચારક વગેરે ચૂંટણી પ્રચારનો અંત આવતાં જે તે મત વિભાગ છોડીને જતા રહે તેની ચૂંટણી તંત્રએ તથા પોલીસ વહીવટી તંત્રએ ખાતરી કરવાની
રહે છે.
પ્રથમ તબક્કામાં તા. 29.11.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરાશે. જ્યારે બીજા તબક્કામાં તા. 5.12.2022 ના રોજ સાંજના 5.00 કલાકે મતદાન પૂરું થવાનું હોઈ બીજા તબક્કાની ચૂંટણી માટે તા. 3.12.2022 ના સાંજના 5.00 વાગ્યાથી ચૂંટણી પંચની આ સૂચનાઓનો અમલ કરવાનો રહે છે.