Western Times News

Gujarati News

NFSU ખાતે “હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ” અંગે ચોથી આંતરરાષ્ટ્રીય સમિટનો પ્રારંભ

ગાંધીનગર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી ખાતે હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ અંગે ત્રિ-દિવસીય ચોથી આંતરરાષ્ટ્રીય સમિટનો પ્રારંભ ૨૯મી નવેમ્બર, ૨૦૨૨ના રોજ થયો છે. આ સમિટનો થીમ છે – ફોરેન્સિક ડેટા મેનેજમેન્ટના પડકારો અને ઉકેલ. NFSUના ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ અને ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસના સંયુક્ત ઉપક્રમે આ આંતરરાષ્ટ્રીય સમિટનું આયોજન થયું છે. આ આંતરરાષ્ટ્રીય સમિટમાં વિશ્વભરના મેડિકલ-ફોરેન્સિક પ્રોફેશનલ્સ ભાગ લઈ રહ્યા છે.

માનનીય ન્યાયમૂર્તિ એ.પી. સાહી, ડાયરેક્ટર, નેશનલ જ્યુડિશિયલ એકેડેમી-ભોપાલ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ હતા. તેઓએ પોતાના સંબોધનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૨૯૭ના વિશેષ સંદર્ભ સાથે હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સના ન્યાયિક પાસાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ડેટા આધારિત ઓળખ એ તપાસ પ્રક્રિયાનો આધારસ્તંભ છે. ડેટાને એકત્રિત કરીને સાચવવામાં આવે છે. ઓળખના શ્રેષ્ઠ પુરાવા શોધવા માટે આ સુરક્ષિત થયેલો ડેટા આવશ્યક છે.

ડો. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU,પોતાના ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ડેટા અંગેની આ પ્રથમ સમિટ છે.આ સમિટ હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ડેટાની સરળ કામગીરી માટે સૂચનો પ્રદાન કરશે. ફોરેન્સિક ડેટા મેનેજમેન્ટ ઓળખમાં નિમિત્ત છે. આપણે ડેટા સાચવવો પડશે. ડેટા હેન્ડલ કરવામાં માનવતાવાદી નિષ્ણાતોની ભૂમિકા પણ મહત્વની છે. એ સુવિદિત છે કે ફોરેન્સિક એપ્લિકેશન માત્ર ગુનાની તપાસ અને અટકાવવા સુધી મર્યાદિત નથી, તે માનવની સુખાકારી માટે પણ લાગુ પડે છે અને ‘મૃત્યુનો મલાજાે’ જાળવવો એ માનવતાની ઉત્તમ સેવા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે NFSUનું ઇન્ટરનેશનલ સેન્ટર ફોર હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ ઇન્ટરનેશનલ કમિટી ઓફ ધ રેડ ક્રોસ સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. જેમાં પ્રથમ છે, શૈક્ષણિક કાર્યક્રમની શરૂઆત , NFSUએ પ્રશિક્ષિત કાર્યબળ બનાવવા માટે પીજી ડિપ્લોમા ઇન હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સ નામનો કોર્સ શરૂ કર્યો છે. બીજું છે, જાગૃતિ માટે અમે આ પ્રકારની સમિટ, વર્કશોપ અને સેમિનારનું આયોજન કરી રહ્યા છીએ અને હ્યુમેનિટેરિયન ફોરેન્સિક્સને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરના નિષ્ણાતોને આમંત્રિત કરીએ છીએ.

ત્રીજું છે, સંશોધન અને વિકાસ. હ્યુમેનિટેરિયન ફોરેન્સિક પાસાઓને સૌથી વધુ અસરકારક રીતે આગળ વધારવા સંબંધિત પદ્ધતિની આવશ્યકતા છે. ચોથું છે, જ્યાં જરૂર હોય ત્યાં કન્સલ્ટન્સી પૂરી પાડવી. આઇસીઆરસી જીનીવાના ફોરેન્સિક યુનિટના વડા, ડો. પિઅર ગ્યુઓમારેહેએ જણાવ્યું હતું કે આ સમિટ ડેટા સંબંધિત પડકારો માટે મહત્ત્વની છે. આપત્તિઓ દરમિયાન અજાણી વ્યક્તિ સંબંધી કેસમાં ઓળખ મહત્ત્વનો ભાગ ભજવે છે.

આપત્તિઓમાં આપણે સૌપ્રથમ દોડવાનું છે. આપણે ઓળખની પદ્ધતિઓ પર સામૂહિક રીતે કામ કરવું પડશે અને આપત્તિગ્રસ્ત સંબંધિત ફોરેન્સિક ડેટા મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્ય કરવાનું છે. ICRCના ડેપ્યુટી હેડ ડૉ. મનીષ દાસે પણ માનવતાવાદી મિશનના કાર્યમાં ICRCની ભૂમિકા અંગે વાત કરી હતી. NFSU-ગાંધીનગરના કેમ્પસ ડાયરેક્ટર પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલે સ્વાગત પ્રવચન કર્યું હતું. ઉદ્‌ઘાટન સમારોહ દરમિયાન ડો. ડેરેક કોંગરામ, હેડ,ICRC-ICHF અને ડો. જી. રાજેશ બાબુ, હેડ, NFSU-ICHF દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.

ઉદઘાટન સમારોહમાં અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજના ડીન ડૉ. કલ્પેશ શાહ સહિત દક્ષિણ આફ્રિકા, માલદીવ્સ, નેપાળ અને ભારતના વિવિધ રાજ્યોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. એનએફએસયુની વિવિધ સ્કૂલ્સના ડીન્સ, એસોસિયેટ ડીન્સ, અધ્યાપક ગણ અને વિદ્યાર્થીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.