સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ રમતોત્સવ યોજાયો
(માહિતી) વડોદરા, ગુજરાત વિધાન સભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. વડોદરા શહેર જિલ્લાની દસ વિધાનસભા બેઠકોની ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. દિવ્યાંગો પણ મતદાન કરીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શહેરના સમાજ સુરક્ષા સંકુલ ખાતે દિવ્યાંગ મતદાર રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પંચ દ્વારા અગાઉની તમામ ચૂંટણીઓ કરતા ગુજરાત વિધાન સભા ચુંટણી ૨૦૨૨માં તમામ દિવ્યાંગજનો મતદાન કરે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો છે. બીજી તરફ વડોદરા શહેર જિલ્લામાં કુલ ૨૬૦૪૩થી વધુ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. વડોદરામાં આટલી મોટી સંખ્યામાં દિવ્યાંગ મતદારો મતદાન કરે તે માટે સમાજ સુરક્ષા સંકુલ, નિઝામપુરા ખાતે દિવ્યાંગ મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા દિવ્યાંગ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રમતોત્સવનો હેતુ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવાનો હતો તે સાથે તમામ દિવ્યાંગ જન મતદાન કરે તથા તેનું મહત્વ સમજે તેનો હતો. આ રમતોત્સવમાં ચક્ર ફેંક, ગોળાફેંક અને ચેસની સાથે વિસરાયેલી પરંપરાગત રમતો જેવી કે ગીલીડંડા અને લખોટી જેવી રમતો રમવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત અવસરના નોડલ અને નિવાસી અધિક કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિએ પણ મુકબધિર તથા દિવ્યાંગ બાળકો સાથે ગીલીડંડા અને લખોટી રમીને તેમના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ રમતોત્સવમાં પ્રજ્ઞા ચક્ષુઓ દ્વારા રમવામાં આવેલ ચેસ આકર્ષણનું કેન્દ્ર હતી.
પ્રજ્ઞાચક્ષુ પ્યાદા અને ચેસ બોર્ડનો રંગ પણ આસાનીથી ઓળખી શકે તેવી તેની બનાવટ હતી. કાળા રંગના પ્યાદા પર ઉપસેલું નિશાન રાખતા પ્રજ્ઞા ચક્ષુ રમતવીરો તેને આસાનીથી ઓળખી રહ્યા હતા અને ચેસ બોર્ડમાં કાળા રંગના ખાનાને ઉપસાવીને બનાવવામાં આવ્યું હતું.જેથી પ્રજ્ઞાચક્ષુ રમતવીરો ખુબજ સરળતાથી ચેસની મજા માણી રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા તમામ દિવ્યાંગજનો કોઈ પણ પ્રકારની અગવડ વગર મતદાન કરી શકે તેવી તમામ સુવિધાઓ ઉપર ભાર મૂક્યો છે. રાજ્યના તમામ દિવ્યાંગ મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે અશક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા, અશક્ત ઉમેદવારોને મતદાન મથક સુધી લઈ લઈ જવા માટે અવસર ડેડીકેટેડ મોબાઇલ વાન, દિવ્યાંગ મતદારો માટે પ્રવેશમાં અગ્રીમતા, ડેઝીગનેટેડ પાર્કિંગ સુવિધા તથા દૃષ્ટિહિન મતદારો માટે બ્રેઈલ બેલેટ પેપરની સુવિધા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.