Western Times News

Gujarati News

પાલડી અંકુર સ્કૂલમાં કોલ સેન્ટરના સંદર્ભમાં સંચાલકોને નોટિસ

સ્કૂલ સંચાલકો-નિરીક્ષકો સામે ડીઇઓ દ્વારા હવે આકરા શિક્ષાત્મક પગલાં લેવાય તેવી વકી
અમદાવાદ,  શહેરની પાલડી વિસ્તારમાં આવેલી અંકુર સ્કૂલમાં પકડાયેલા ગેરકાયદે કોલ સેન્ટર મામલે ડીઇઓ દ્વારા સ્કૂલ સંચાલકોને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. આ મામલામાં સ્કૂલ નીરીક્ષકની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. જે અંગે સ્કૂલ નીરીક્ષક સામે ડીઇઓ દ્વારા હવે આકરા શિક્ષાત્મક પગલાં લેવાય તેવી પૂરી શકયતા સેવાઇ રહી છે.

બીજીબાજુ, સ્કૂલમાંથી ગેરકાયેદ કોલ સેન્ટર ઝડપાવાના કારણે શિક્ષણજગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. પાલડીમાં અંકુર સ્કૂલમાં વિદેશી નાગરિકોને ફોન કરી તેમની પાસેથી લાખો રૂપિયા પડાવવાના ગેરકાયદે કોલ સેન્ટરના કૌભાંડનો ગઇકાલે પોલીસે પર્દાફાશ કર્યો હતો. આ સમગ્ર કાંડમાં સાઇબર ક્રાઈમે છ આરોપી શખ્સોની ધરપકડ કરી છે. કૌભાંડની તપાસ માટે સ્કૂલમાં રખાયેલા સીસીટીવીનું ડીવીઆર પણ અધિકારીઓ લઈ ગયા છે. સાઇબર ક્રાઇમના અધિકારીઓ ડીવીઆર લઈ જતા નવી ઉપાધિ ઉભી થઇ છે.

કારણ કે આગામી ૧૭ નવેમ્બરના રોજ યુપીએસસીની પરીક્ષા યોજાવાની છે, જેનું સેન્ટર આ સ્કૂલમાં છે. યુપીએસસીની પરીક્ષા માટે સેન્ટરમાં સીસીટીવી ફરજીયાત છે. જા કે, હવે ડીવીઆર નહી હોવાથી સ્કૂલમાં પરીક્ષાનું રેર્કોડિંગ કેવી રીતે થશે તેના પર સવાલ ઉઠ્‌યા છે. બીજી તરફ અંકુર સ્કૂલમાં આ કૌભાંડ પકડાતા ડીઇઓ કચેરીમાં સન્નાટો છવાઈ ગયો છે. ઘટના બનતા ડીઇઓ કચેરીએ સ્કૂલને કારણદર્શક નોટિસ ફટકારીને પાંચ દિવસમાં જવાબ આપવા ખુલાસો માંગ્યો છે. જો જવાબ ન મળે તો સ્કૂલની માન્યતા રદ કરવા સુધીની ભલામણ એજ્યુકેશન કમિશનરને થઈ શકે છે.

સ્કૂલમાં ગેરકાયદે કોલ સેન્ટરના મામલે ડીઇઓ કચેરીના સ્કૂલ નિરીક્ષકની ગંભીર બેદરકારી પણ સામે આવી છે. પાલડી વિસ્તારની આ સ્કૂલમાં ચાલતી પ્રવૃત્તિ અંગે સ્કૂલ નીરીક્ષકે ધ્યાન રાખવાનું હોય છે. આ કેસમાં સ્કૂલ નીરીક્ષકે શું ધ્યાન રાખ્યું તે મોટો સવાલ છે. એટલું જ નહીં બેદરકાર સ્કૂલ નીરીક્ષક સામે પગલાં લેવાશે કે કેમ તેના પર સવાલ ઉઠ્‌યા છે. મહત્વનું છે કે અગાઉ પણ અંકુર સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના બની હતી. છેડતીની ગંભીર ઘટના બાદ હવે કોલ સેન્ટર કૌભાંડ ઝડપાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.