દેશને હવે ‘ઈન્ફર્મેશન વોર’નો ખતરો
આજે ઈન્ફર્મેશન વોરના માધ્યમથી સમાજમાં બહુ આસાનીથી નફરતનું ઝેર ફેલાવી શકાય છે. સોશિયલ મીડિયાનો વધેલો વ્યાપ અને લોકોમાં તેનો ક્રેઝ આ ખતરાને પણ વધારે છે બદલાતા સમયની સાથે બધું બદલાઈ રહ્યું છે, પછી તે તબીબી સારવાર હોય, શિક્ષણ હોય, ટેકનોલોજી હોય કે પછી યુદ્ધ હોય. એક જમાનામાં દુશ્મન દેશની સરહદ પર જાેરદાર હુમલો કરીને તેમને સામી છાતીએ હરાવી એ દેશને જીતવામાં આવતો હતો, પરંતુ હવે આધુનિક સમયમાં યુદ્ધના નિયમો પણ સંપૂર્ણ બદલાઈ ચૂક્યા છે. હવે દેશની સરહદ પર નહી, પરંતુ દેશમાં અને તેની સિસ્ટમમાં ઘુસીને એક આંતરિક યુદ્ધ લડવામાં આવે છે.
દુશ્મનની સૌથી મોટી નબળાઈ પારખીને તેના પર જ સૌથી પહેલો વાર કરવામાં આવે છે. કોઈ પણ દેશને તોડવા માટે તેની આંતરિક સુરક્ષા અને સામાજિક વ્યવસ્થા કે ભાઈચારાને તોડવો બહુ જરૂરી હોય છે. ભારતના દુશ્મન દેશો હાલ આ પેટર્ન પર જ કામ કરી રહ્યા છે અને તેથી આપણે વિશેષરૂપથી સાવધાન રહેવાની જરૂર છે.
તાજેતરમાં જ રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હી સ્થિત નેશનલ ડિફેન્સ કોલેજ (એનડીસી)ના દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશના દુશ્મનો ચીન અને પાકિસ્તાનની સરહદ પર તો સક્રિય છે જ, પરંતુ દેશને દુશ્મનોના બિનપરંપરાગત યુદ્ધોથી પણ બહુ મોટો ખતરો છે અને આ યુદ્ધ દુશ્મન દેશો દ્વારા ચલાવવામાં આવતા ઈન્ફર્મેશન (માહિતી) અને સાયબર વોર છે.
તેમણે આ દુશ્મનો સામે લડવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને આગ્રહ કર્યો હતો કે સમગ્ર વિશ્વએ સાથે મળીને તેમનો મુકાબલો કરવો જાેઈએ અને તોજ તેમના પર વિજય મેળવવાનું શક્ય છે. આ યુદ્ધનો મુખ્ય ઉદેશ દેશમાં સામાજિક અસ્થિરતા પેદા કરીને દેશના ટુકડા કરવાનો હોય છે. જે કામ પહેલાં યુદ્ધ દ્વારા કરવામાં આવતું હતું તે હવે ઈન્ફર્મેશન યુદ્ધ દ્વારા કરવામાં આવે છે. વિશ્વના અનેક દેશોમાં આંતરિક અસ્થિરતા ફેલાવવા માટે ચલાવવામાં આવતા દુષ્પ્રચાર તેના સૌથી મોટા ઉદાહરણ છે.
જમ્મુ-કાશ્મીર, પંજાબ અને પૂર્વોત્તરના મણિપુરમાં વકરી રહેલો આતંકવાદ પણ તેનું જ પરિણામ અને ઉદાહરણ છે. ઈન્ફર્મેશન અને સાયબર યુદ્ધના કારણે દેશની આંતરિક તથા બાહ્ય સુરક્ષા વચ્ચેનું અંતર સતત ઘટી રહ્યું છે. આતંકવાદ દેશની આંતરિક સુરક્ષા માટે ખતરો ઉત્પન્ન કરે છે, પરંતુ આ આતંકીઓને નાણાં, તાલીમ અને હથિયારો દેશના દુશ્મન પુરાં પાડે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓને સંપૂર્ણ મદદ અને માર્ગદર્શન તથા આદેશ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈના આકાઓ આપે છે.
આજે ઈન્ફર્મેશન વોરના માધ્યમથી સમાજમાં બહુ આસાનીથી નફરતનું ઝેર ફેલાવી શકાય છે. સોશિયલ મીડિયાનો વધેલો વ્યાપ અને લોકોમાં તેનો ક્રેઝ આ ખતરાને વધારે છે. આજકાલ સોશિયલ મીડિયામાં આવેલા એક મેસેજને તેની સત્યતા ચકાસ્યા વગર જ ફોરવર્ડ કરવાનો એક ખતરનાક ટ્રેન્ડ વિકસી રહ્યો છે, જે આપણી સામાજિક શાંતિનો કોઈ પણ સમયે ભંગ કરી શકે છે.
યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધમાં પણ ઈન્ફર્મેશન વોરની બહુ મોટી ભૂમિકા સામે આવી છે, જેના કારણે ‘મહાશક્તિ’ ગણાતા રશિયાને હજુ સુધી યુદ્ધ જીતવામાં સફળતા મળી નથી. પશ્ચિમી મીડિયાએ રશિયન સૈનિકોનું મનોબળ એ હદે તોડી નાખ્યું છે કે રશિયન તેના યુક્રેનમાંથી અનેક શહેરો છોડીને ભાગી રહી છે.
ભારતના વિભિન્ન સમુદાય અને જાતિઓ વચ્ચે અનેક વખત નાના-મોટા મુદ્દે વિવાદ થતો રહે છે અને પાકિસ્તાન લગભગ દરેક વખતે તેનો ફાયદો ઉઠાવવા આતુર બેઠું હોય છે. પાકિસ્તાનના એજન્ટ દેશના વિભિન્ન ભાગોમાં રહેતા લોકોમાં એક અજાણ્યો ભય પેદા કરીને તણાવની સ્થિતિ ઉભી કરતા રહે છે. હાલના સમયે ભારત અને ચીન વચ્ચે પણ આર્થિક પ્રતિસ્પર્ધા દિન-પ્રતિદિન વધતી જાય છે.
ચીન પણ કોઈ પણ ભોગે ભારતને મરણતોલ ફટકો મારવા માટે ષડયંત્ર બનાવતું રહે છે. ચીનને પાકિસ્તાન તરફથી સાથ મળતો રહે છે સરહદ પરના દુશ્મનો સામે લડવું તો સરળ છે, પરંતુ દેશમાં જ રહીને દેશની આંતરિક સુરક્ષાને નુકસાન કરતા કે અસ્થિરતા પેદા કરનારા સૌથી મોટા દુશ્મનોને રોકવા એ આપણા માટે કપરો પડકાર છે.