ઋતુ પરિવર્તનથી થતું ગળાનું ઈન્ફેક્શન મટાડવાના સરળ ઉપાયો
ગળામાં ઈન્ફેકશન થતા જ ગરમ પાણીમાં મીઠુ ભેળવીને પીવાથી ફાયદો થાય છે
ઋતુમાં બદલાવ આવવાની સાથે જ ગળાના સંક્રમણ કિસ્સા વધતા હોય છે. થ્રોટ ઈન્ફેકશન બેકટેરિયા અથવા વાયરસથી થતા હોય છે.
ગળાના ઈન્ફેકશનમાં ગળામાં સોજાે આવી જાય છે. ઘણી વખત આ સોજાે ગળાના કાનના ભાગ પર પણ આવી જતો હોય છે, તેવામાં ખાવા-પીવામાં તકલીફ થતી જાેવા મળે છે. પરિણામે ઘણી વખત પ્રવાહી પર જ રહેવું પડતું હોય છે.
ગળાનું ઈન્ફેકશન : ગળામાં ઈન્ફેકશન થતા જ ગરમ પાણીમાં મીઠુ ભેળવીને પીવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત ગરમ પાણીના કોગળા કરવાથી પણ રાહત થાય છે. મેથીના દાણાનો ભુક્કો કરી તેનો લેપ બનાવવો. ગળાના સોજાે પર લગાડવાથી રાહત થાય છે. તેમાં એક ચપટી મીઠું ભેળવીને હુંફાળુ કરીને લગાડવાથી વધુ ફાયદો થાય છે.
ભાતના ઓસાવેલા પાણીમાં એક ચપટી મીઠું ભેળવીને સેવન કરવાથી ગળાના સોજાેમાં ફાયદો થાય છે. એટલું જ નહીં આ મિશ્રણ પીવાથી શરીરને પોષણ મળે છે તેમજ પેટ પણ ભરાઈ જાય છે. આદુના તાજા ટુકડાને કાપી તેને સુકવી લેવા. આ સુકા ટુકડામાં કાળુ સંચળ લગાડીને ચૂસવું. સુકાયેલો આદુ ન હોય તો, સામાન્ય આદુ સાથે પણ ચૂસવાથી રાહત થાય છે.
જાડા મીઠાને એક કપડાના ટુકડામાં બાંધી ગરમ તવા પર શેકી લેવું અને ગળા પર સેક કરવો. જેથી સોજામાં અને દુખાવામાં રાહત થાય છે. હળદરવાળું હુંફાળું દૂધ પીવાથી લાભ થાય છે. હળદરયુક્ત દૂધમાં કુદરતી એન્ટીબાયોટિક ગુણ સમાયેલા હોય છે જે ગળાના દુખાવામાં રાહત આપે છે. એક ગ્લાસ પાણીમાં એક ટુકડો તજને ૧૦ મિનીટ સુધી ઉકાળવું અને આ પાણી દિવસના ત્રણ -ચાર વખત પીવું.
એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચમચો મધ અને લીંબુનો રસ ભેળવીને દિવસના ત્રણ વખત પીવાથી આરામ થાય છે. સફરજનનો સરકો ફાયદાકારક છે. એક ચમચો એપલ વિનેગારને પાણી સાથે ભેળવીને કોગળા કરવાથી રાહત થાય છે. અડધો ચમચો મધમાં મરીનો ભુક્કો ભેળવીને સેવન કરવાથી લાભ થાય છે. ૪-પ અંજીરને એક ગ્લાસ પાણીમાં ઉકાળવા. પાણી અડધું રહી જાય પછી તેને ગાળીને પી જવું. દિવસમાં બે વખત પીવાથી રાહત થાય છે. લસણમાં એન્ટીબેકટેરિયલ ગુણ સમાયેલા હોય છે.
આ કારણે જ ગળાના ઈન્ફેકશન માટે લસણનું સેવન લાભદાયક માનવામાં આવે છે. ત્રણ-ચાર લસણની કળીને કાચી જ ચાવી જવાથી ફાયદો થાય છે.
પાણીની વરાળનો સેક લેવાથી ફાયદો થાય છે. શ્વાસનળીમાં માર્ગમાંથી બેકટેરિયાને બહાર નીકળવાની મદદ મળે છે. બજારમાં સ્ટીમર પણ મળે છે તેનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત સ્ટીમર ન હોય તો એક વાસણમાં પાણી ગરમ કરી ચહેરાને વાસણથી થોડો ઉપર રાખવો અને ચહેરા પર ટુવાલ ઢાંકી દેવો અને લાંબા લાંબા શ્વાસ લેવાથી વરાળ શ્વાસનળીના માર્ગ સુધી પહોંચીને જમા થયેલા કફને દૂર કરે છે.
જેઠીમધના નાના-નાના ટુકડા ગળાની સમસ્યા માટે રામબાણ ઈલાજ છે. જેઠીમધની નાની-નાની લાકડીઓને મોઢામાં થોડી વાર રાખી ચુસવાથી ફાયદો થાય છે, ગળાની ખરાશમાં રાહત થાય છે તેમજ સોજાે દૂર થાય છે. ચાર-પાંચ કાળી દ્રાક્ષને સવારે ચાવીને ખાવાથી ફાયદો થાય છે, પરંતુ તરત જ પાણી પીવું નહી. લવિંગને મોઢામાં રાખીને ચુસવાથી રાહત થાય છે.
બે ગ્લાસ પાણીમાં તુલસીના થોડા પાન ઉકાળી તેમાં ચાર-પાંચ મરીનો ભુક્કો ભેળવી દિવસમાં બે વખત સેવન કરવું. લવિંગ, તુલસી, આદુ અને મરીના ભુક્કાને પાણીમાં ઉકાળી પીવાથી ફાયદો થાય છે. દિવસમાં બે-ત્રણ વખત વરિયાળીને ધીરે ધીરે ચાવી-ચાવીને ખાવાથી રાહત થાય છે. ચાર-પાંચ મરી અને બદામ વાટીને ખાવાથી આરામ થાય છે.