Western Times News

Gujarati News

પાચનક્રિયા નબળી પડે ત્યારે….અજીર્ણ અપચો વાયુ દોષ

આમ જઠરાગ્નિ મનુષ્યનાં આરોગ્ય, બળ, વર્ણ તથા જીવનના મુખ્ય આધારરૂપ છે. તેની હાજરીથી જ દેહની ઉષ્મા બરાબર જળવાય છે. અપચાનો રોગ. જીવનનો આધાર છે આહાર. માણસ જે આહાર લે છે તે દેહમાં પચ્યા પછી, તેમાંથી જ શરીરને સ્વસ્થ અને બળવાન બનાવવા માટે જરૂરી રસ, રક્તાદિ ધાતુઓ તથા ઓજસ્‌ બને છે. શરીરમાં દાખલ થયેલા આહારને પચાવવાનું મહત્વનું કાર્ય હોજરી, ગ્રહણી તથા આંતરડાંમાં રહેલ જઠરાગ્નિ કરે છે. ખાધેલો ખોરાક હોજરીમાં પહોંચે તે પછીથી તે પચીને તેનો આહાર-રસ બને ત્યાં સુધીમાં તેની અવસ્થા અર્થાત્‌ ત્રણ જાતની પાચનક્રિયા થાય છે. તેમાં સૌપ્રથમ ભોજન લીધા પછી હોજરીમાં પ્રથમ મધુર અવસ્થા પાક થાય છે.

તેમાં ષડ્રસયુક્ત આહાર પ્રથમ મધુર બને છે. આ સ્થિતિમાં આહારનો ફીણ જેવો આથો થાય છે. આ સ્થિતિમાં રહેલ આહારના મધુર અંશો સારી રીતે પચી જાય છે અને તે બીજાં અંગો માટે જલદી પચી જાય તેવો બને છે. જઠરાગ્નિ કે અગ્નિ બરાબર કામ કરે તો જ ખોરાક સારી રીતે હજમ થાય અને તો જ તેમાંથી બનતી બીજી ધાતુઓ પણ બરાબર થાય, તો જ શરીર સ્વસ્થ રહે. આ જઠરાગ્નિ મંદ પડે કે વિકાર પામે, તો ખોરાકનું પાચન બરાબર ન થતાં, શરીર બગડે, રોગો થાય.

દેહની ઉષ્મા જાળવનાર, ખોરાકનું પાચન કરનાર અને સાત ધાતુઓ બનાવનાર અગ્નિ ના આયુર્વેદે ૧૩ પ્રકારો બતાવ્યા છે. એક જઠરાગ્નિ, પાંચ ભૂતાગ્નિ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ મહાભૂતાત્મક અને સાત ધાત્વગ્નિ રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર કે રજ આ સાત ધાતુઓમાં રહેલ અગ્નિ. આ ૧૩ પ્રકારના અગ્નિ શરીરમાં બરાબર રીતે કાર્ય કરે તો જ આહારમાંથી ઉત્તમ રસધાતુ બને, તો જ રસમાંથી સાર તથા મળ ભાગ બને, તો જ રસ પછીની રક્ત, માંસ જેવી સાત ધાતુઓ સારી રીતે બને, તો જ ઝાડો પેશાબ તથા પરસેવા જેવા મળનાં ઉત્પત્તિ અને વિસર્જન બરાબર થાય. આમ બધી ક્રિયાઓ યોગ્ય શારીર અગ્નિને કારણે ચાલે, ત્યારે જ આખું શરીર સ્વસ્થ રહે.

આહારને પચાવવાનું કાર્ય મુખ્યત્વે અગ્નિ જ કરે છે. બીજાં છ તત્વો તેમાં સહાયભૂત બને છે. તે છે ઉષ્મા, વાયુ, ક્લેદ-દ્રવ/જળ, સ્નેહ-તેલીય અંશ, કાળ -સમય, સમયોગ. આમાં અગ્નિ અથવા ઉષ્મા આહારને બરાબર પચાવે છે. વાયુ ખોરાકને આકર્ષીને અગ્નિ પાચકરસો પાસે લાવે છે કે તેમાં ભેળવે છે. સ્નેહતત્ત્વ ખોરાકને કૂણો, ઢીલો બનાવે છે. ક્લેદ ખોરાકને બરાબર સંમિશ્ર કરી એકરસ કરે છે.

કાળ સમય ખોરાકને બરાબર પચાવવામાં પરિપૂર્ણતા લાવે છે. સમયોગ અર્થાત્‌ આ બધાં કહેલાં તત્ત્વો બરાબર યોગ્ય રીતે જળવાય તો તેથી સમયોગ સધાય છે, બધી ધાતુઓ સારી રીતે પેદા થાય છે. પક્વાશયમાં આહારનો મળભાગ પહોંચ્યા પછી આહારની છેલ્લી અવસ્થા કટુ અવસ્થા પાક થાય છે. અહીં મળ બંધાય છે અને વાયુ ઉત્પન્ન થાય છે. આહાર પર થતી બીજી ક્રિયાને અમ્લ અવસ્થા પાક કહે છે. આ અવસ્થામાં હોજરીમાંથી આહાર ગ્રહણી-ઙ્ર્ઘેઙ્ઘીહેદ્બ માં આવે છે.

અહીં તેમાં પાચક પિત્ત નામના ખાટા-તીખા પાચક રસો ભળે છે. તેથી આહાર ખાટો-અમ્લ થાય છે. આ અવસ્થામાં હોજરીમાં ન પચેલાં આહાર-તત્વો ઘણાંખરાં પચી જાય છે. ગ્રહણીમાંથી પછી ખોરાક નાના આંતરડામાં જાય છે. ત્યાં આંતરડાની ગતિ-વિધિથી ખોરાકમાંથી સારરૂપે સફેદ દૂધ જેવો રસ બને છે. આંતરડામાં બનેલો રસ વિવિધ સ્રોતોમાં શોષાઈને યકૃત-પ્લીહામાં રક્ત બનવા જાય છે. અને આહારનો મળભાગ ઝાડો બને છે, જે મોટા આંતરડા પક્વાશય માં જાય છે.

અહીંથી રસ ધાતુ આગળ જાય છે. તેની પર પાંચ ભૂતાગ્નિ અને સાતે ધાતુઓમાં પોતામાં રહેલા અગ્નિઓની પ્રક્રિયા થાય છે. તેને પરિણામે શરીરની રસરક્તાદિ ૭ ધાતુઓ, તેની ઉપધાતુઓ તથા મળની ઉત્પત્તિ થાય છે. જઠરાગ્નિની ત્રણ વિકૃતિઓ ઃ ખોરાક પચાવનાર જઠરાગ્નિની ત્રણ પ્રકારની વિકૃતિ થાય છે. જ્યારે તે સમતોલ કે સ્વસ્થ હોય ત્યારે ખોરાક બરાબર પચે છે. પણ તેમાં વધ-ઘટ રૂપી વિકાર થતાં તેના ત્રણ પ્રકારો વાયુ-પિત્ત-કફ દોષની પ્રધાનતા મુજબ બને છે. વાયુ દોષથી વિષમાગ્નિ થાય છે. તેથી ખોરાક ક્યારેક હજમ થાય છે, ક્યારેક હજમ નથી થતો. તેનાથી વાયુનાં દર્દો થાય છે. પિત્ત દોષથી તીક્ષ્ણાગ્નિ થાય છે.

તેથી માપમાં કે વધુ માત્રામાં લીધેલો ખોરાક સામાન્ય સમય પહેલાં વહેલો પચી જાય છે અને ભૂખ વારંવાર લાગે છે. તે સમયે જાે તેને સમયસર યોગ્ય માત્રામાં ખોરાક ન મળે તો અંતે શરીરની ધાતુઓ બળે છે-ઘટે છે. છેવટે ભસ્મક નામે રોગ અને પિત્ત ગરમી નાં બીજાં દર્દો થાય છે. જઠરાગ્નિની ત્રીજી વિકૃતિ છે મંદાગ્નિ, જે કફ દોષ વધવાથી થાય છે. આને કારણે થોડોક તથા હળવો લીધેલો ખોરાક પણ સામાન્ય સમય મર્યાદામાં પચતો નથી અને તે પચતાં ખૂબ વાર લાગે છે. પેટ ભારે રહે છે.

ફરી સમયસર ભૂખ લાગતી નથી તેમજ અન્ય કફદોષનાં દર્દો થાય છે. આ ત્રણેય જઠરાગ્નિની ત્રણ અવસ્થાઓ છે. દોષભેદથી થતાં અજીર્ણ ઃ ખોરાક બરાબર હજમ ન થાય તો તેને અપચો કે અજીર્ણ કહે છે. આયુર્વેદે વાયુપિત્તકફ દોષની પ્રધાનતા મુજબ થતા અજીર્ણના ત્રણ પ્રકાર અને એક ચોથો રસધાતુથી થતો – એમ ચાર જાતનાં અજીર્ણ બતાવ્યાં છે.

અપચો–અજીર્ણ થવાનાં કારણો : ખૂબ પાણી પીવું, સમયે–કસમયે થોડું કે વધુ પડતું વિષમ ખાવું, ઝાડો, પેશાબ, વાછૂટ જેવા કુદરતી વેગોને પરાણે રોકવાની ટેવ, સૂવાના સમયે રાતે સૂવું નહિ અને દિવસે જાગવું, અનિયમિત રીતે સૂવું, ખોટા ઉજાગરા કરવા, ખૂબ ઠંડો કે ભારે ખોરાક વધુ પ્રમાણમાં લેવો, માનસિક ઉદ્વેગો વિચાર શોક વગેરે કારણોથી અજીર્ણ રોગ થાય છે. અજીર્ણમાંથી થતા અન્ય રોગો : અજીર્ણ રોગની સમયસર યોગ્ય સારવાર ન થાય, તો તેમાંથી ઊલટી થવી, ચક્કર આવવા, અંગ તૂટવાં, લવરી-પ્રલાપ થવી, મૂર્ચ્છા થવી અને ક્યારેક મૃત્યુ પણ થાય છે.

વિષ્ટબ્ધાજીર્ણ : વિષ્ટબ્ધ એટલે સ્તબ્ધતા. ખોરાક પેટમાં હાલ્યાચાલ્યા વિનાનો આળસુ થઈ પડ્યો રહે તે વાયુની યોગ્ય ગતિના અભાવે થતું અજીર્ણ છે; જેમાં પેટમાં શૂળ, આફરો, ઝાડો, પેશાબ અને અપાનવાયુથી છૂટ ન થવી, શરીર જકડાઈ જવું, મોહ થવો અને અંગોમાં પીડા થવી આવાં લક્ષણો દેખાય છે. વિદગ્ધાજીર્ણ ઃ પિત્ત દોષ ખૂબ બળી જતાં-વધુ તીવ્ર થઈ જતાં આ પ્રકારનું અજીર્ણ થાય છે.

જેમાં ચક્કર આવવાં, આંખે અંધારાં આવવાં, ખૂબ તરસ લાગવી, મૂર્ચ્છા થવી, દાહપીડા થવી, ધુમાડા જેવા ઓડકાર આવવા, ખાટા ઓડકાર થવા તથા પેટમાં–છાતીમાં બળતરા થવી વગેરે લક્ષણો થાય છે. તેમાં ખોરાક કદીક બરાબર પચે છે, તો કદીક કાચો રહે છે.

આમાજીર્ણ : કફ દોષની વૃદ્ધિ કે પ્રકોપથી આ પ્રકારનું અજીર્ણ થાય છે. તેમાં પેટ ભારે લાગવું, મોળ ચડવી કે મોંમાં ખૂબ પાણી આવવું, આંખ નીચે તથા ચહેરા પર સોજાે લાગવો, જે ખાધું હોય તેના જ ઓડકાર આવવા, પેટ દબદબા જેવું ખોરાક હજમ ન થયો હોય તેવું જણાવું, આવાં લક્ષણો જણાય છે. રસશેષાજીર્ણ ઃ ખાધેલા ખોરાકમાંથી રસ બને છે. તે પચે નહિ તો તેનું અજીર્ણ થાય છે. તેમાં ભોજનની અનિચ્છા થવી, હૃદયછાતી ભારે લાગવાં, શરીર ભારે જણાવું, ઓડકાર શુદ્ધ આવે છતાં ખાવાની ઇચ્છા ન થવી-જેવાં લક્ષણો દેખાય છે.

આમાજીર્ણ, વિદગ્ધાજીર્ણ અને વિષ્ટબ્ધાજીર્ણની યોગ્ય સારવાર ન થાય તો તેમાંથી વિષૂચિકા ષ્ઠર્રઙ્મીટ્ઠિ, અલસક તથા વિલંબિકા જેવા પાચનતંત્રના રોગો થાય છે. વિષૂચિકા : અજીર્ણથી આખા શરીરમાં સોય વિષૂચિ ભોંકાવા જેવી તીવ્ર પીડા થાય અને સાથે ઝાડા-ઊલટી થાય તે રોગને વિષૂચિકા કહે છે. આ રોગમાં વાયુદોષની પ્રબળતા હોય છે.

તેનાં નીચે મુજબનાં લક્ષણો દેખાય છે : ઝાડા અને ઊલટી એકસાથે થવાં, તે સાથે ચક્કર આવવાં, ખૂબ જ તરસ લાગવી, પેટમાં શૂળ થવી, અંગોમાં મરડાટ થવો, બગાસાં આવવાં, શરીરમાં દાહ થવો, શરીરનો રંગ બદલાવો, શરીર કંપવું, હૃદયમાં પીડા થવી અને માથું સખત દુઃખવું, નિદ્રાનાશ, અણગમો, પેશાબ બંધ થવો અને ભાન ન રહેવું વગેરે આ દર્દ કૉલેરા નામે ઓળખાય છે જેમાં દર્દીને સફેદ રંગનાં, ખૂબ ગંધાતાં ઝાડા-ઊલટી વધુ પ્રમાણમાં થાય છે, જેની ઝડપી સારવાર ન થાય, તો દર્દી થોડા કલાકોમાં મૃત્યુ પામે છે.

અલસક : આ પણ અજીર્ણનો જ એક રોગ છે. જેમાં ખોરાક નીચે ઝાડા દ્વારા કે ઉપર ઊલટી દ્વારા એકે માર્ગે નીકળતો નથી અને આળસુની જેમ થઈને જ્યાં હોય ત્યાં પડ્યો જ રહે છે. આ દર્દમાં બંને પડખાં ખૂબ જ ફૂલે છે, તેમાં શૂળ થાય છે, પેટમાં અવાજ થાય છે, વાયુની ગતિ અવરોધાય છે, વાયુ નીચે સરકવાને બદલે અવળો–ઉપર ગતિ કરે છે, વાછૂટ તથા ઝાડાની અટકાયત થાય છે, દર્દીને અંધારાં આવે છે, ખૂબ તરસ લાગે છે અને વારંવાર ઓડકાર થયા કરે છે. ખોરાકની રુચિ તથા ભૂખ મરી જાય છે. દર્દીને કંઈ ગમતું નથી અને તે આકળવિકળ થાય છે. વિલંબિકા : ખાધેલો ખોરાક ખૂબ જ વિલંબ ઘણી વાર પછી પચે, તેવા રોગને વિલંબિકા કહે છે. આ રોગ વાયુ તથા કફ દોષના કોપથી થાય છે, જેની સારવાર કપરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.