મોરબીના ધરમપુર ખાતે સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતા મતદાન મથક પર મતદાન કરી રોમાંચિત બની રહ્યા છે
અહીં મતદાન મથક સાથે સિરામીક ઉદ્યોગ વિશેની ખૂબ સારી માહિતી આપવામાં આવી રહી છે – જિજ્ઞાબેન સદાતિયા
માહિતી બ્યુરો, મોરબી, મોરબીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન માટે વિવિધ ખાસ મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. ત્યારે ધરમપુર ખાતે મોરબી સિરામીક ઉદ્યોગની ઝાંખી કરાવતું વિશેષ મતદાન મથક ઉભું કરવામાં આવ્યું છે ત્યા મતદારો મતદાન કરી રોમાંચ અનુભવી રહ્યા છે.
મોરબી ખાતે સિરામીક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામીક ઉદ્યોગની યાત્રાની ઝાંખી કરાવતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. આ મતદાન મથક ખાતે સિરામીક ઉદ્યોગની પેદાશોને લગતા એક્ઝીબિશનમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ, વિટ્રીફાઈડ, સેનેટરીવેરની વિવિધ પ્રોડક્ટનું પ્રદર્શન નિહાળીને સિરામીક કારખાનાના કોઈ નાના યુનિટમાં આવ્યા હોય તેવી અનુભુતિ કરી રહ્યા છે.
સિરામીક મતદાન મથક ખાતે મતદાન કરતા સદાતિયા જિજ્ઞાબેને જણાવ્યું હતું કે, હું ધરમપુરમાં રહું છું. અહીં મતદાન કરવા આવી છું, અહીં મતદાન મથક સાથે સિરામીક ઉદ્યોગ વિશેની ખૂબ સારી માહિતી આપવામાં આવી છે. મતદાન એ આપણો અધિકાર છે ત્યારે મહેરબાની કરીને સૌ મતદાન કરો.