મૃત માતાના દાગીનાના ભાગ પાડવા માટે ભેગા થયેલા પરિવારના સભ્યો પર ચપ્પાથી હુમલો
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં હત્યા અને હુમલાના બનાવો વધી રહયા છે ખાસ કરીને છેલ્લા કેટલાક સમયથી પારિવારિક ઝઘડાઓમાં આવી ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી ગઈ છે. શહેરના નરોડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે આવો જ એક બનાવ બન્યો હતો જેમાં માતા મૃત્યુ પામતા તેમના સોનાના દાગીના તથા અન્ય ચીજવસ્તુઓનો ભાગ પાડવા ભેગા થયેલા ભાઈ બહેનોની બેઠક દરમિયાન ઉશ્કેરાયેલા એક ભાઈએ તથા તેના પુત્રએ પિતરાઈ ભાઈ તથા તેની ફઈ ઉપર ચપ્પાથી હુમલો કરી લોહીલુહાણ કરતા બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
આ ઘટનાના પગલે ભારે ઉહાપોહ મચી ગયો હતો અને ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર આવી પહોંચી હતી પરંતુ આરોપી પિતા-પુત્ર હાજર પરિવારના તમામ સભ્યોને હત્યાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા બીજીબાજુ ઈજાગ્રસ્ત મહિલા સહિત બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગેની વિગત એવી છે કે ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રહે છે અને તેમને પાંચ ભાઈઓ છે જેમાંથી ગીરીશ, સુરેશ અને દીપક મૃત્યુ પામ્યા છે જયારે હાલમાં વિનોદભાઈ અને મુકેશભાઈ જીવીત છે. તેઓ બંને નરોડા વિસ્તારમાં રહે છે આ દરમિયાનમાં તેમના માતાનું અવસાન થતાં તેમના દાગીના તથા અન્ય મુદ્દામાલ પડયો હતો જેનો ભાગ પાડવાનું નકકી થયું હતું
અગાઉથી નકકી થયા મુજબ ગઈકાલે ગીતાબેન અમદાવાદ નરોડા ગેલેક્ષી સિનેમા પાસે રહેતા તેમના ભાઈ વિનોદના ઘરે આવ્યા હતાં અને બંને વાતચીત કરતા હતા. આ દરમિયાનમાં રાત્રિના ૧૦.૦૦ વાગ્યે નરોડા વિસ્તારમાં જ હરીદર્શન ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ પાર્કમાં રહેતા મુકેશભાઈ ચૌહાણ તથા તેમનો પુત્ર ચિરાગ પણ આવી પહોંચ્યા હતાં પિતા-પુત્ર ઘરમાં પ્રવેશતા જ ઉપસ્થિત ગીતાબેન તથા વિનોદભાઈ અને તેમના પરિવાર સાથે બોલાચાલી કરવા લાગ્યા હતાં.
દાગીનાના ભાગ પાડવા માટે ભેગા થયેલા ભાઈ બહેનો વચ્ચે શાંતિપૂર્ણ બેઠક થાય તે પહેલા જ ચિરાગે બોલાચાલી કરવા લાગતા વાતાવરણ ઉગ્ર બની ગયું હતું આ દરમિયાનમાં મુકેશનો પુત્ર ચિરાગ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે હાજર તમામ લોકોને ધમકીઓ આપવા લાગ્યો હતો વાતાવરણ ઉગ્ર બનતા જ ચિરાગ પોતાની પાસે છરી લઈને આવ્યો હતો.
તે બહાર કાઢી ગીતાબેન તથા વિનોદભાઈ અને તેમના પરિવારજનો પર હુમલો કરવા માટે દોડયો હતો આ દરમિયાનમાં ગીતાબેન વચ્ચે પડતા ચિરાગે તેની ફઈ ગીતાબેન ઉપર હુમલો કર્યો હતો અને ચપ્પાના ઘા માર્યાં હતાં આ દરમિયાનમાં વિનોદભાઈનો પુત્ર પણ દોડી આવ્યો હતો ચિરાગે તેના ઉપર પણ ચપ્પાથી હુમલો કરતા તેને પણ ચપ્પાના ઘા વાગતા લોહી નીકળવા લાગ્યું હતું.
હુમલાની આ ઘટનાથી ભારે હોહામચી ગઈ હતી અને પરિવારના સભ્યોને બુમાબુમ કરી મુકતા આસપાસના લોકો દોડી આવ્યા હતા આ દરમિયાનમાં આરોપી ચિરાગ અને તેના પિતા મુકેશે પરિવારના અન્ય સભ્યોને જાનથી મારી નાંખવાની ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતાં ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ સ્થળ પર આવી પહોંચ્યા હતા અને તે પહેલા બંને આરોપીઓ ભાગી છુટતા ઈજાગ્રસ્ત બંનેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. નરોડા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી બંને આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.