લિંકન ફાર્મા.નો FY2019-20નો બીજા ત્રિમાસિક ગાળાનો નફો 26 ટકા વધીને રૂ. 18.92 કરોડ થયો
ભારતની અગ્રણી હેલ્થકેર કંપનીઓમાં સ્થાન ધરાવતી લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડે સપ્ટેમ્બર 2019ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે રૂ. 18.92 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જે ગત નાણાંકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળાના રૂ. 15 કરોડના ચોખ્ખા નફા કરતાં 26 ટકા વધુ હતો.
નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળામાં કુલ આવકો રૂ. 115.21 કરોડ રહી હતી જે નાણાંકીય વર્ષ 2018-19ના બીજા ત્રિમાસિક ગાળાની રૂ. 107 કરોડની કુલ આવકો કરતાં 7.64 ટકા વધુ હતી. નાણાંકીય વર્ષ 2019-20ના બીજા ત્રિમાસિક ગાળા માટે શેરદીઠ આવક રૂ. 9.46 હતી જે અગાઉના નાણાંકીય વર્ષના સમાન ગાળામાં રૂ. 7.50 હતી.
કંપનીને તાજેતરમાં જ તેના લિક્વિડ ડાયક્લોફેનેક મીટર્ડ ડોઝ રેક્ટલ સ્પ્રે (ડાયક્લોફેનેક રેક્ટલ સ્પ્રે) માટે પેટન્ટ મળી છે. કંપનીને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા તરફથી જરૂરી મંજૂરીઓ મળી ગઈ છે અને જાન્યુઆરી 2020 સુધીમાં તે ભારતીય બજારોમાં આ પ્રોડક્ટ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. કંપની આ પ્રોડક્ટ માટે ગ્લોબલ પેટન્ટ ફાઈલ કરવાની પણ યોજના બનાવી રહી છે.
કંપનીના પરિણામો અને નાણાંકીય કામગીરી અંગે લિંકન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની ઉત્કૃષ્ટ નાણાંકીય કામગીરી અમે આનંદ અનુભવીએ છીએ.
સ્થાનિક અને વિદેશી બજારોમાં મજબૂત કામગીરીના લીધે વૃદ્ધિ જોવા મળી છે. અમારા નિકાસ વેચાણો 10.95 ટકા વધ્યા છે. ઘરેલુ સ્તરે ઉત્પાદિત પ્રોડક્ટથી મળેલી નોંધપાત્ર આવક, વધુ સારા માર્જિનવાળી પ્રોડક્ટ્સ તથા ઊંચા માર્જિનવાળા બજારોમાં વધેલી આવકના લીધે ત્રિમાસિક ગાળા દરમિયાન અમારી નફાકારકતા વધી છે.
અમારી વ્યાપક ભૌગોલિક પહોંચ, નિકાસની ઊંચી આવક, ગ્રાહક અને પ્રોડક્ટ વચ્ચે યોગ્ય માંગ-પુરવઠાનું સંતુલન તથા અમારા પોતાના ઉત્પાદન પર વધુ ધ્યાન જેવી કામગીરીથી આગામી સમયમાં અમારો બિઝનેસ વૃદ્ધિ જાળવી રાખશે. સર્વોત્તમ આરએન્ડડી ક્ષમતાઓ, ઉદ્યોગ ક્ષેત્રે વર્ષોના અનુભવ અને બદલાતી જતી સાનુકૂળ બજાર પરિસ્થિતિઓના લીધે અમને વિશ્વાસ છે કે અમારી કામગીરીમાં સુધારો થશે અને ટૂંકાથી મધ્યમ ગાળામાં શેરધારકોની સંપત્તિમાં વધારો થશે.