‘લાઈટબિલના 11 રૂ. નહીં ભરો તો કનેક્શન કપાશે કહી બે લાખની ઓનલાઈન ઠગાઈ
સિનિયર સીટીઝનો ચેતી જજો -બિલ ભરાવવાના બહાને વૃદ્ધના મોબાઈલ ફોનમાં એક લિંક મોકલી છેતર્યા- કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ફોન ઉપાડી વાત કરતાં પહેલા વીચાર કરજો.
અમદાવાદ, શહેરમાં લાઈટબિલના બાકી રૂ.૧૧ ભરાવવા માટેનો ફોન કરી ઠગે સિનિયર સિટીઝન સાથે રૂ.બે લાખની ઓનલાઈન ઠગાઈ આચર્યાની ફરિયાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
ગઠિયાએ બિલ ભરાવવાના બહાને વૃદ્ધના મોબાઈલ ફોનમાં એક લિંક મોકલી હતી અને તે દ્વારા ગઠિયાએ વૃદ્ધના મોબાઈલ ફોનના એક્સેસ મેળવી તેમના બેન્ક ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરી હતી.
સેટેલાઈટની સુદર્શન કોલોનીમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા નીતિનભાઈ ચુડગર (ઉં.વ.૭૮)એ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી છે. ૨૯ નવેમ્બરના રોજ નીતિનભાઈને ફોન કરી અપૂર્વ ગુપ્તા નામની વ્યક્તિએ તમારા લાઈટબિલના રૂ.૧૧ ભરવાના બાકી છે, જાે તે રકમ નહીં ભરો તો તમારા ઘરની લાઈટ બે કલાકમાં કપાઈ જશે તેવી વાત કરી હતી.
ત્યાર બાદ ગઠિયાએ નીતિનભાઈને એક લિંક મોકલી હતી. નીતિનભાઈએ આ લિંક ઓપન કરતાંની સાથે જ ગણતરીના સમયમાં તેમના ખાતામાંથી ટુકડે ટુકડે બે લાખ રૂપિયા ડેબિટ થી ગયા હતા.
નીતિનભાઈ તેમના મોબાઈલમાં રૂપિયા ડેબિટ થયાનો મેસેજ આવતાં જ ચોંકી ગયા હતા અને તાત્કાલિક તેમનું એકાઉન્ટ બંધ કરાવી દીધું હતું. ત્યારબાદ ગઠિયાએ તેમની સાથે છેતરપિંડી કરી હોવાથી નીતિનભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાે તમે પણ તમારા ઘરનું લાઈટબિલ ઓનલાઈન ભરો છો તો તમારે થોડા સાવધાન રહેવાની જરૂર છે, કારણ કે કેટલાક ગઠિયા લાઈટબિલના નામે ફ્રોડ કરી લોકોને લૂંટી રહ્યા છે. કેટલીક વીજળી કંપની કે સપ્લાયર્સ લાઈટબિલની કુલ રકમ અને તેને ભરવાની તારીખ મેસેજ કે વોટ્સએપ દ્વારા જણાવે છે અને આ જ રીતનો ઉપયોગ કરીને ગઠિયાઓ યુઝર્સને લાઈટબિલ વિશે ફેક મેસેજ મોકલીને તેમની સાથે છેતરપિંડી કરી રહ્યાં છે
હાલ શહેરમાં એવા ઘણા કિસ્સા સામે આવ્યા છે કે જ્યાં યુઝર્સને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ અથવા એસએમએસ મેસેજ મળે છે, જેમાં લખવામાં આવે છે કે, જાે તેઓ તાત્કાલિક લાઈટબિલ નહીં ભરે તો તેમનું વીજળી કનેક્શન કાપી નાખવામાં આવશે
અને તે સાથે જ આવો મેસેજ પણ મળી શકે છે કે, પ્રિય ગ્રાહક, આજે તમારી વીજળી ડિસ્કનેક્ટ કરવામાં આવશે, કારણ કે તમારું છેલ્લા મહિનાનું લાઈટબિલ અપડેટ થયું નથી, જાે તમારે તેનાથી બચવું હોય તો તરત આ નંબર પર સંપર્ક કરો. આભર. આવા મેસજ નોકલીને લોકો પાસે લાખો રૂપિયા પડાવી લેતી ગેંગ સક્રિય થઇ છે.