Western Times News

Gujarati News

મતદાર જાગૃતિ કાર્યક્રમમાં SSG હોસ્પિટલના આરોગ્ય સ્ટાફે મતદાન માટે બતાવી સજ્જતા

વડોદરા, વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન આડે ગણતરીના દિવસો વચ્ચે જિલ્લા ચૂંટણી તંત્ર મતદાન જાગૃતિ માટે તડામાર તૈયારીઓ કરી રહ્યું છે. વડોદરાની તમામ વિધાનસભા બેઠકો પર સો ટકા મતદાનના ઉદ્દેશ્ય વચ્ચે, શહેરની એસ. એસ. જી. હોસ્પિટલમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ લોકોને આરોગ્ય સેવા પ્રદાન કરવાની વ્યસ્તતા વચ્ચે પણ મતદાન આપે, તે માટે મતદાર જાગૃતિ અભિયાન હેઠળ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી અતુલ ગોર દ્વારા તમામ ક્ષેત્ર તથા વ્યવસાયના લોકો સો ટકા મતદાનના ઉદ્દેશ્યમાં જાેડાય તે માટે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

ત્યારે આજે એસ.એસ.જી. હોસ્પિટલના તબીબો, આરોગ્યકર્મીઓ અને મેડિકલ કૉલેજ ઑફ વડોદરાના અધ્યાપક તથા વિદ્યાર્થીઓ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી બી.એસ.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સશક્ત લોકશાહી બનાવવા માટે દરેક વ્યવસાયના લોકોનું મતદાન કરવું ખૂબ જ જરૂરી છે. કોરોના જેવા સંકટ સમયમાં લાખો લોકોને જીવનદાન આપનાર તબીબગણ તેમજ આરોગ્યકર્મીઓ પણ અચૂક મતદાન કરે તે ખૂબ જ જરૂરી છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત તબીબ અધિક્ષકશ્રી ડૉ. રંજન ઐયરે સૌને મતદાન કરીને એક પગલું આગળ વધીને લોકશાહીને સર્વોચ્ચ સ્થાન અપાવવા માટે આરોગ્ય વિભાગના તમામ મતદારોને અપીલ કરી હતી. અધિક કલેકટરશ્રી એસ.પી. મુનિયાએ અચૂક મતદાન કરીને તંદુરસ્ત લોકશાહીને જીવંત રાખવાની અપીલ કરી હતી. તો સ્વીપના નોડલ ડો. સુધીર જાેષીએ આ વખતની ચૂંટણી સમાવેશી, નૈતિક, સુલભ અને ટકાઉ ચૂંટણી પ્રક્રિયા હોવાનું જણાવ્યું હતું.

મેડિકલ કોલેજ ઓફ બરોડામાં યોજાયેલા આ મતદાર જાગૃતિ કાર્યક્રમમાં તબીબગણ, આરોગ્ય કર્મચારીઓ, નર્સિંગ સ્ટાફ, મોટી સંખ્યામાં મેડિકલ તેમજ પેરા મેડિકલ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.