ગુજરાતના આ મતદાન કેન્દ્ર પર માત્ર ૪૮ મતદારો વોટ આપવા ગયાઃ ૧૨.૬૬ ટકા મતદાન
પ્રથમ તબક્કાના મતદાનમાં ૮૨.૭૧ ટકા મતદાન સાથે દેડીયાપાડા બેઠક રાજ્યભરમાં મોખરે
નાંદોદમાં ૭૪.૩૬ ટકા નોંધાયેલું મતદાન-નર્મદા જિલ્લાની બંને બેઠકો માટે સરેરાશ ૭૮.૪૨ ટકા મતદાન
ચૂંટણીપંચના આંકડા પ્રમાણે ગુજરાતમાં આ વખતે 4.90 કરોડ મતદારો નોંધાયા છે. નર્મદા જિલ્લાની કુલ બે બેઠકો કે જેમાં નાંદોદ અને ડેડિયાપાડા માટે 624 મતદાન કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા.
દેડીયાપાડાના ૧૪-મોહબુડી-૨ કેન્દ્રમાં સૌથી વધુ ૯૯.૦૧ ટકા -નાંદોદમાં સૌથી વધુ ૨૧૩-મોજી કેન્દ્ર ખાતે ૯૪.૯૮ ટકા અને ૨૪૨-એકતાનગર-૩ કેન્દ્ર ખાતે સૌથી ઓછું ૪૦.૭૦ ટકા મતદાન
રાજપીપલા, નર્મદા જિલ્લામાં તા.૦૧ લી ડિસેમ્બર,૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓના પ્રથમ ચરણમાં યોજાયેલા મતદાનમાં જિલ્લાની ૧૪૯-દેડીયાપાડા (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તાર સૌથી વધુ ૮૨.૭૧ ટકા મતદાન સાથે સમગ્ર રાજ્યમાં મતદાનની ટકાવારીમાં મોખરે રહ્યો છે. જ્યારે ૧૪૮- નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં ૭૪.૩૬ ટકા મતદાન નોંધાવા પામ્યું છે.
જિલ્લામાં આ બંને બેઠકોમાં યોજાયેલા મતદાનમાં દેડીયાપાડા વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક નં-૧૪ મોહબુડી-૨ કેન્દ્ર ખાતે સૌથી વધુ ૯૯.૦૧ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૧૫૩ પુરૂષ અને ૧૪૬ મહિલા મતદારો સહિત કુલ- ૨૯૯ મતદારોએ મતદાન કર્યું હતું. જ્યારે મતદાન મથક નં-૬ પાનખલા કેન્દ્ર ખાતે સૌથી ઓછું ૧૨.૬૬ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૩૨ પુરૂષ અને ૧૬ મહિલા મતદારો સહિત કુલ-૪૮ મતદારોએ મતદાન કર્યું હતું.
તેવી જ રીતે ૧૪૮- નાંદોદ (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં મતદાન મથક નં-૨૧૩ મોજી ખાતે સૌથી વધુ ૯૪.૯૮ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૨૭૨ પુરૂષ અને ૨૪૬ મહિલા મતદારો સહિત કુલ- ૫૧૮ મતદારોએ મતદાન કર્યુ છે. જ્યારે મતદાન મથક નં-૨૪૨ એકતાનગર-૩ કેન્દ્ર ખાતે સૌથી ઓછું ૪૦.૭૦ ટકા મતદાન નોંધાયું છે, જેમાં ૮૭ પુરૂષ અને ૬૪ મહિલા મતદારો સહિત કુલ ૧૫૧ મતદારોએ મતદાન કર્યું હતું.