ભરૂચના ને.હા.નં.૪૮ ઉપર આવેલ હોટલમાં ચાલુ લગ્ન પ્રસંગે ૮.૨૧ લાખની ચોરી
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચના નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ પટેલની મોટલમાં અજાણ્યા બે ઈસમો સોના-ચાંદીના ઘરેણા રોકડા રૂપિયા મળી લાખનો મુદ્દામાલ સેરવી ફરાર થઈ ગયા હતા.હોટલના સીસીટીવી મેળવી પોલીસે તસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથધરી છે. ભરૂચના બાયપાસ રોડ ઉપર શ્રવણ ચોકડી પાસે આવેલ ગણેશ ટાઉનશીપમાં રહેતા અલ્કેશ વિપિન પટેલની ફોઈની દીકરી શિવાની ભૂપેશ પટેલના લગ્નનું ભરૂચની નર્મદા ચોકડીની પાસે આવેલ પટેલની મોટેલ હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું.ગત તારીખ ૨ જી ડીસેમ્બરના રોજ ૧૧ઃ૩૦ કલાકે ગ્રહ શાંતિની વિધિ પૂર્ણ થયા બાદ તમામ મહેમાનો નીચેના હોલમાં બેઠા હતા.
દરમ્યાન વરરાજાને જમાડી હાથ ધોઈ સોનાનું પેન્ડલ આપવાની વિધિ હોવાથી અલ્કેશ પટેલ તેઓની મોટી મમ્મી પાસે મુકેલ સોના-ચાંદી અને રોકડ રૂપિયા રાખેલ બેગ નહિ મળતા શોધખોળ શરુ કરી હતી. મોટલમાં તમામ સ્થળે શોધખોળ કરવા છતાં થેલો મળી આવ્યો ન હતો. જેથી હોટલમાં લગાવેલ સીસીટીવી કેમેરા તપાસ કરતા તેમાં બે અજાણ્યા ઈસમો મહેમાનોની નજર ચુકવી સોના-ચાંદીના ઘરેણા અને રોકડા રૂપિયા મળી કુલ ૮.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ લઈ જતા નજરે પડ્યા હતા ચોરી અંગે સી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથધરી છે.લગ્નમાં હવે બિન બુલાયે મહેમાન બની તસ્કરો સોના ચાંદીના દાગીના, કિંમતી વસ્તુઓ અને રોકડાનો હાથ ફેરો કરી રહ્યા હોય ત્યારે યજમાનો અને આયોજકોએ વિશેષ કાળજી રાખવાની જરૂર વર્તાય રહી છે.