માણાવદરમાં નવનિર્મિત વૈષ્ણવ હવેલીનું ખાતમૂહૂર્ત થયું
(પ્રતિનિધિ) માણાવદર, બ્માણાવદરમાં મુસ્લિમ-નવાબોના સમયથી હિન્દુ ધર્મને પ્રોત્સાહન અપાયું છે અહીં સને ૧૯૧૭માં રામજી ઝીણા જસાણીએ વૈષ્ણવ હવેલીની સ્થાપના કરવા બેગમ ફાતિમા સીદીકાને રજૂઆત કરતા હાલના સિનેમા સ્થળે હવેલીનું નિર્માણ થયું હતું અને ત્યાં ઠાકોરજીનું નાનું મંદિર બાંધવામાં આવ્યું હતું પરંતુ આ જગ્યા વગડાઉ હોવાથી ત્યાં વૈષ્ણવો ઓછા જતા હતા.
સને ૧૯૩૧માં હવેલીનું સ્થાન ફેરવવા દીવાન ત્રિભુવન મૂળશંકર વ્યાસને રજુઆતો કરાતા તેમણે નવાબને મળીને ર૧ નવેમ્બર ૧૯૩૧ના રોજ હોલ જયાં જેઈલ છે ત્યાં જગ્યા ફાળવી. સને ૧૯૩રના રોજ મિસ્ત્રી પિતાંબર વસતા, શેઠ છગનલાલ સુંદરજી, શેઠ પ્રેમજી જીવરાજ વગેરેએ નવી હવેલીના બાંધકામ અંગે મિટીંગ કરી અને સને ૧૯૩૩ના રોજ નવી હવેલીનું બાંધકામ શરૂ કર્યું જેનું ખાતમૂહૂર્ત ગુર્જર સુથાર મિસ્ત્રી કેશવજી વીરજીના હસ્તે કરવામાં આવેલ હતું ત્યારે બાંધકામનું ખર્ચ ૪પ૬૮ રૂપિયા થયું હતું આ પછી અનુદાનો મળતા તેનો વિકાસ થતો ગયો ત્યારે માણાવદરની વસ્તી ૬ હજારની હતી વસ્તી અને વિસ્તાર વધવાથી નવી હવેલીની જરૂરત ઉભી થઈ.
વૈષ્ણવોને હાલ જયાં હવેલી છે તે હવેલી સોસાયટી વિસ્તારોથી ઘણી દુર હોવાથી વૈષ્ણવો ભગવાનના દર્શન સમય અનુસાર કરી શકે તે માટે શ્રી સર્વોત્તમ સંસ્થાન ટ્રસ્ટ માણાવદરના નેજા હેઠળ બસ સ્ટેશન પાસે દુધાધારી રોડ, બહાપરા વિસ્તારમં નવી હવેલી માટે જગ્યા પસંદ કરી જેમાં ૧પ હજાર સ્કવેર ફુટ બાંધકામ માટેનું ખાતમુહૂર્ત પૂ.પા. ગોસ્વામી ૧૦૮ શ્રી યોગેશકુમાર મહારાજશ્રીની આજ્ઞાથી પૂ.પા. ગોસ્વામી પરાગકુમાર બાવાશ્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ નવનિર્મિત હવેલીમાં જેનું નામાકરણ ‘મોટી હવેલી’ રાખ્યું છે તેમાં શ્રી ગોસાંઈજીના નિધિ એવમ માવજી પટેલ તથા વિરજાેના સેવ્ય શ્રી બાલકૃષ્ણ પ્રભુ બિરાજશે તેમજ વૈષ્ણવ સંપ્રદાય અનુસારી ભવ્ય અને વિશાળ મંદિર, આચાર્ય ભવન, સત્સંગ હોલ તેમજ વૈષ્ણવો માટેની અન્ય વ્યવસ્થા સાથેનું હવેલીનું નિર્માણ થશે. આ નિર્માણથી આસપાસની સોસાયટીઓમાં વસતા વૈષ્ણવો ભગવાનના દર્શનનો સમયાનુસાર લાભ લઈ શકશે.