એક્ઝિટ પોલઃ રાજ્યમાં ફરી ભાજપની સરકાર બનશે
મોટાભાગના એક્ઝિટ પોલમાં ભાજપને ૧૧૦થી ૧૪૦ બેઠકો મળવાનો અંદાજઃ બીજી તરફ કોંગ્રેસ ૩૦થી ૫૦ બેઠકો ઉપર જીતે તેવી શક્યતાઃ આમ આદમી પાર્ટી પણ ૫થી ૧૦ બેઠકો મેળવે તેવું તારણ
(એજન્સી)અમદાવાદ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ હવે પરિણામો પહેલાની ઉત્સુકતા જાેવા મળી રહી છે, ત્યારે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે એક્ઝિટ પોલના સર્વે જાહેર થવાના શરૂ થયા છે. Exit Poll Gujarat Assembly election 2022
૧૮૨ વિધાનસભા બેઠકમાંથી કોને કેટલી સીટો મળશે તે અંગેના એક્ઝિટ પોલના સર્વે સામે આવ્યા છે. ગુજરાતમાં કોણ જીતશે કમળ, પંજાે કે આપ ? તેની ચર્ચા ચોમેર થવા લાગી છે. શું કહે છે એક્ઝિટ પોલના આંકડા ? એક્ઝિટ પોલના તારણ મુજબ ગુજરાતમાં કોની સરકાર બનશે? ત્યારે જાેઈએ એક્ઝિટ પોલના સર્વે મુજબ કયા પક્ષને કેટલી બેઠકો મળવાની સંભાવના છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ અને બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. હવે તમામ ૧૮૨ બેઠકો પરનું પરિણામ ૮મી ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યમાં સરકાર બનાવવા માટે કોઈપણ પક્ષને ૯૨ બેઠકો જીતવી જરૂરી છે.
પહેલા તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠક પર મતદાન થયું હતું. પહેલા તબક્કામાં ૬૨.૮૯ મતદાન થયું છે. જ્યારે બીજા તબક્કામાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર સરેરાશ ૬૦ ટકાથી વધુ મતદાન થયું છે.
બીજા તબક્કા ચૂંટણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના ૭ મંત્રીઓ, ભાજપના ઉમેદવાર હાર્દીક પટેલ, અલ્પેશ ઠાકોર, કોંગ્રેસના સુખરામ રાઠવા, જિજ્ઞેશ મેવાણી અને આમ આદમી પાર્ટીના ભરતસિંહ વાઘેલા તેમજ ભીમાભાઇ ચૌધરી જેવા દિગ્ગજ નેતાઓ માટે મતદાન થયું હતો.
તો પ્રથમ તબક્કાના કેટલાક અગ્રણી ઉમેદવારોમાં ઇસુદાન ગઢવી, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, કાંતિલાલ અમૃતિયા, રીવાબા જાડેજા અને ગોપાલ ઇટાલિયાનો સમાવેશ થાય છે.
૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૫૦ બેઠકનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું, પરંતુ અનેક પાટીદાર, દલિત, ઠાકોર સમાજના સહિતના આંદોલનની અસરને લઈને આ ભાજપનું અનુમાન રગદોળાયું હતું અને આખરે ભાજપને ૯૯ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો.
જ્યારે કોંગ્રેસ ૨૨ વર્ષથી (તે સમયે) સત્તાથી દૂર રહીને સત્તા હાસલ કરવાની મનસા સાથે જીતની દાવેદારી નોંધાવી રહી હતી. પરંતુ આખરે તેમને પણ ૭૭ બેઠક જીતીને સંતોષ માનવો પડ્યો હતો. આમ, કોંગ્રેસને ૨૨ વર્ષ બાદ પણ ફરીથી સત્તાનું સપનું, સપનું જ રહ્યું.
જાેકે, ૨૦૧૭ની ચૂંટણીમાં ભારતીય ટ્રાઈબલ પાર્ટીને ૨ બે બેઠક, જગ્નેશ મેવાણી સહિત ૩ અપક્ષ ઉમેદવારોને જીત મળી હતી. આ સાથે, કુતિયાણાથી લડતા કાંધલ જાડેજાને પણ જીત મળી હતી.
આમ, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ૨૦૧૭માં ભાજપ અને કોંગ્રેસને એક્ઝિટ પોલથી ઘણુ વિપરીત પરિણામ મળ્યું હતું. ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે એક્ઝીટ પોલનાં તારણ વચ્ચે મતદારો અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યાે હતો.