પાણી ન મળતાં ગ્રામજનોએ ૭ કલાક સુધી મતદાનનો બહિષ્કાર કર્યો
મહેસાણા, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની ૩૨ બેઠક પર આજે સવારે ૮ વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે. ૩ વાગ્યા સુધીમાં ઉત્તર ગુજરાતમાં ૫૩.૫૪ ટકા મતદાન થયું છે. ઊંઝા વિધાનસભામાં આવતા કરલી ગામે બૂથ નજીક સ્ટિકરવાળી ઇનોવા ગાડી આવતાં આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારો-કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી.
જાેકે પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો. તો બેચરાજીના બરીયફ ગામે પોતાની પડતર માગણી પૂરી ન થતાં ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. સવારથી ત્રણ વાગ્યા સુધી ગ્રામજનોએ મતદાન કર્યું નહોતું. જાેકે ત્રણ વાગ્યા બાદ સમજાવટ બાદ મતદાન શરૂ થયું હતું.
પાટણમાં મતદાન કરવા જતાં વૃદ્ધા રેલિંગ પરથી નીચે પટકાઈ ગયાં હતાં. જાેકે હાજર સુરક્ષાકર્મચારીઓએ તેમને તરત ઊભાં કર્યાં હતાં. વૃદ્ધાને ગંભીર ઇજાઓ પહોંચી હોવા છતાં તેમણે મતદાન કર્યું હતું. ત્યાર બાદ ૧૦૮ બોલાવીને તેમને સારવાર અર્થે ખસેડાયાં હતાં. જ્યારે પાટણની ગુમડા મસ્જિદ પ્રાથમિક શાળામાં એજન્ટને દૂર કરવા બાબતે હોબાળો થયો હતો.
તો કલોલમાં સંતાનના સ્કૂલની બહાર એક પ્રાઇવેટ ટેબલ મૂકી મતદારોના મોબાઈલ કલેક્ટ કરવામાં આવતાં હોવાનો આક્ષેપ કરી ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મતદારો સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પાટણમાં પ્રભુતામાં પગલાં પાડતાં પહેલાં ભાઇ-બહેન મત આપવા ગયાં હતાં. દાંતાના યુવકે લગ્ન કર્યા બાદ મતદાન કર્યું હતું.