ઉદ્ધવ ઠાકરે ૧૭ તારીખે એકનાથ શિંદે સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે

મુંબઇ, મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એ છત્રપતિ શિવાજી મહારાજનું અપમાન અને મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને લઈને એકનાથ શિંદે સરકાર વિરુદ્ધ ૧૭ ડિસેમ્બરે મુંબઈમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનનું એલાન કર્યું છે. આ ઉપરાંત મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના રાજીનામાની પણ માંગ કરી રહ્યું છે.
એમવીએ એ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીને છત્રપતિ શિવાજી મહારાજ પરની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ હટાવવાની પણ માંગ કરી છે. સોમવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, ૧૭ ડિસેમ્બરે અમે વર્તમાન રાજ્ય સરકાર વિરુદ્ધ મુંબઈના જીજામાતા ઉદ્યાનથી આઝાદ મેદાન સુધી રેલી કાઢીશું અને મહારાષ્ટ્રના રાજ્યપાલને હટાવવાની માંગ કરીશું.
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ લોકોને અપીલ કરી છે કે, રાજ્યને પ્રેમ કરનારાઓએ મહારાષ્ટ્રનું અપમાન કરનારાઓ સામે એક થવાની જરૂર છે. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ મુદ્દે પણ રાજ્ય સરકારને આડે હાથ લીધી હતી.
સરકાર પર પ્રહાર કરતાં ઠાકરેએ કહ્યું કે, કર્ણાટક અમારા વિસ્તારો, ગામડાઓ અને જાથ, સોલાપુર માટે પણ પૂછી રહ્યું છે. શું તેઓ અમારા પંઢરપુર વિઠોબાને પણ પૂછશે? આનાથી એક સવાલ ઉભો થાય છે – શું મહારાષ્ટ્રમાં કોઈ સરકાર છે?HS1MS