અંબાજી મંદિરે ભુપેન્દ્ર પટેલે પરિવાર સાથે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી
અંબાજી, ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ ૮ ડિસેમ્બરને મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ મત ગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને અન્ય જિલ્લાઓની તમામ બેઠકોની મતગણતરી ગુરૂવારનાં રોજ હાથ ધરવામાં આવશે. જે માટે ચૂંટણી પંચ દ્વારા જડબેસલાખ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
ત્યારે વિધાનસભાની ચૂંટણીના પરિણામ પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ માતાજીના શરણે પહોંચ્યા હતા અને મા અંબાનાં આશીર્વાદ લીધા હતા.
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે. હવે પરિણામની રાહ જાેવાઇ રહી છે ત્યારે પરિણામ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માં અંબાના ધામના દર્શને પહોંચ્યા હતા. મંદિર ટ્રસ્ટે કુમકુમ તિલક કરી ખેસ પહેરાવી સીએમનું સ્વાગત કર્યું હતું. પોતાના પત્ની અને પરિવાર સાથે માં અંબાના દ્વારે પહોંચેલા સીએમ એ દર્શન કરીને ભાજપની જીતની પ્રાર્થના કરી હતી.
અંબાજી મંદિરે ભુપેન્દ્ર પટેલે પરિવાર સાથે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરી અને માંના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા, ભટ્ટજી મહારાજ દ્વારા તેમને રક્ષા પોટલી બાંધી અને આશીર્વાદ આપ્યા હતા. મુખ્યમંત્રીએ અહીં માતાજીનું પૂજન-અર્ચન કર્યું સાથે જ તેઓએ વિધિવત પૂજા કર્યા પછી મંદિરમાં ધ્વજા પણ ચઢાવી હતી. નિજ મંદિરમાં પૂજા અર્ચના સહીત કપૂર આરતી કરી માં અંબાના આશીર્વાદ લીધા હતા. ભટ્ટજી મહારાજે ભૂપેન્દ્ર પટેલને ચૂંદડી ઓઢાડી સ્મુર્તિ ચિન્હ અર્પણ કર્યું હતું. સાથે માતાજીના શિખરે ધજા રોહણ કરી ધન્યતા અનુભવી હતી.
વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા પૂર્ણ થયાં બાદ ૮ ડિસેમ્બરને મતગણતરી હાથ ધરવામાં આવશે. રાજ્યમાં જિલ્લા કક્ષાએ મત ગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અમદાવાદમાં પણ શહેર અને જિલ્લાની કુલ ૨૧ બેઠકોની મતગણતરી ગુરૂવારનાં રોજ હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા છે અને ગત ચૂંટણીમાં તેઓ એક લાખથી પણ વધુ મતના માર્જિનથી જીત્યા હતા.