પરિવાર સૂતો હતો અને ચોર ૧૫.૩૬ લાખની મતા ચોરી ફરાર

પ્રતિકાત્મક
વેપારીની ઊંઘ ઊડી અને તેઓ ઘરમાં આંટો મારવા માટે નીકળ્યા હતા તે સમયે રસોડાનો દરવાજાે અને બારી ખુલ્લાં જાેઈ ચોંકી ગયા
અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીમાં હજારો પોલીસ કર્મચારીઓ બંદોબસ્તમાં હતા ત્યારે તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપવા માટે મેદાનમાં ઊતર્યા હતા. છેલ્લા ઘણા દિવસોથી પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત હતી તેવા સમયે તસ્કરોએ અનેક મકાનોને ટાર્ગેટ કરી ચોરીની ઘટનાઓ પ્લાનપૂર્વક સફળ બનાવી હતી.
ચોંકાવનારી વાત એ છે કે સમગ્ર ચોરીની ઘટનાઓ ધોળા દિવસે બની છે. પોલીસ જ્યારે રોડ પર વાહન ચેકિંગ કરતી હતી ત્યારે તસ્કરો લોકોનાં ઘરનાં તાળાં તોડતા હતા. તસ્કરોએ નારણપુરામાં સોના-ચાંદીના દાગીના, ડોલર સહિત ૧૫ લાખથી વધુ મતાની ચોરી કરી હતી.
જ્યારે નવા નરોડામાં ૧૫ તોલા સોનાના દાગીનાની ચોરી કરી હતી. નારણપરાની રેખાપાર્ક સોસાયટીમાં રહેતા મનીષભાઈ શાહે ચોરીની ફરિયાદ નારણપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. મનીષભાઈ નવરંગપુરા ખાતે મહાવીર કોલકેમ નામની કંપની ધરાવે છે અને તે દ્વારા કેમિકલનો વેપાર કરે છે.
બે દિવસ પહેલાં રવિવારે રજા હોવાથી મનીષભાઈ ઘરે હાજર હતા અને સાંજના સમયે મનીષભાઈ તેમનાં પત્ની સાથે ગાંધીનગર હોટલ લીલા ખાતે જમવા માટે ગયા હતા અને તેમની નાની દીકરી ઘરે હાજર હતી. મનીષભાઈ રાતના સમયે પરત ઘરે આવ્યા હતા. ત્યાર બાદ તેઓ પોતાના રૂમમાં સૂઈ ગયા હતા.
ગઈ કાલે સવારે મનીષભાઈએ તેમનાં પત્નીને જગાડીને કહ્યું હતું કે રસોડા બાજુનો ઘરનો દરવાજાે તથા બારી ખુલ્લી છે અને બારીના લોખંડના સળિયા વળેલા છે. ત્યારબાદ મનીષભાઈએ તેમના ઘરમાં તપાસ કરી હતી અને તેમના ઉપરના રૂમમાં જઈને જાેયું તો બધો સામાન વેરવિખર હતો. રૂમમાં રહેલાં લાકડાંના બંને કબાટ તૂટેલી હાલતમાં હતાં.
જ્યારે મનીષભાઈ, તેમનાં પત્ની અને દીકરી ઘરમાં સૂઈ રહ્યા હતાં ત્યારે પરિવારના સભ્યોની ઊંઘનો લાભ લઈ રાતના સમયે તસ્કરો તેમના ઘરમાં પ્રવેશ્યા હતા અને ઘરમાં રહેલા કબાટમાંથી ત્રણ તોલાની સોનાની ચેઈન, આઠ તોલાનો સોનાનો સેટ, એક ડાયમંડ નેકલેસ, દોઢ તોલાની સોનાની કાનની બુટ્ટી, દોઢ તોલાની કાનની મોતીવાળી બુટ્ટી, એક ૫૦ ગ્રામનું સોનાનું બિસ્કિટ,
એક ચાંદીનું ૧૦૦ ગ્રામનુ બિસ્કિટ, ત્રણ લાખની રોકડ રકમ તેમજ ચાંદીના સિક્કા, ચાંદીની થાળી સહિત તેમની દીકરીના ઓરિજનલ પાસપોર્ટની ચોરી કરી હતી. તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ ૧૫.૩૬ લાખ તથા ૧૦૦ ડોલરની દસ નોટની પણ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.
મનીષભાઈએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ચોરીની ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી હતી.