પોલીસની સાથે કાર્યકરોનો પણ EVMના સ્ટ્રોંગરૂમની બહાર ર૪ કલાક પહેરો
EVM સાથે છેડછાડની આશંકાએ ઉમેદવારો સતત ખડેપગે-૮ ડિસેમ્બરે બપોરના ૧ર.૦૦ વાગ્યાની આસપાસ ‘ટ્રેન્ડ’ ક્લિયર થઈ જશે
(એજન્સી) અમદાવાદ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈકાલે પૂર્ણ થઈ ગયું છે. બીજા તબક્કાની ૯૩ વિધાનસભા બેઠક માટે સરેરાશ ૬૪.૩૯ ટકા જેટલું મતદાન નોધાયું છે. રાજયની તમામ ૧૮ર બેઠક પરના ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે, જેનંુ પરિણામ ૮મી ડિસેમ્બરે જાહેર થશે ત્યારે બંને તબક્કામાં ઓછું મતદાન થતાં હવે ઉમેદવારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.
અમદાવાદ શહેરના ૧૬ અને ગ્રામ્ય વિસ્તારની પાંચ બેઠક મળીને કુલ ર૧ બેઠક પર સરેરાશ પ૮.૩ર ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લા તંત્ર દ્વારા ચૂંટણીમાં ઉપયોગમાં લેવાયેલા ઈવીએમ અને વીવીપેટને મોડી રાત સુધીમાં મત ગણતરી સ્થળ પર ઉભા કરાયેલા સ્ટ્રોંગરૂમમાં જમા કરી દેવાયા છે.
હવે આગામી ગુરુવારે એટલે કે ૮ ડિસેમ્બરની સવારે આઠ વાગ્યે તમામ રાજકીય પક્ષોના ઉમેદવાર કે પ્રતિનિધિની હાજરીમાં મત ગણતરીની કામગીરી હાથ ધરાશે અને બપોરના ૧ર.૦૦ વાગ્યાની આસપાસ જે તે બેઠક પરના ઉમેદવારની હાર કે જીતના ‘ટ્રેન્ડ’ સ્પષ્ટ થઈ જશે.
હાલમાં ઈવીએમ જે તે જિલ્લાની સરકારી કચેરીઓમાં બનાવેલા સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. આ સ્ટ્રોંગરૂમ પર ર૪ કલાક પોલીસનો કડક જાપ્તો ગોઠવવામાં આવ્યો છે. સાથે જ સ્ટ્રોંગરૂમના ખૂણે ખૂણે સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે.
પોલીસની સાથે હથિયારધારી સુરક્ષા જવાનો પણ તહેનાત કરવામાં આવ્યા છે. છતાં તેમાં કોઈ ગરબડ ન થાય તે માટે વિરોધ પક્ષો દ્વારા પોતપોતાની ખાનગી સિકયોરિટીની ગોઠવણ પણ કરવામાં આવી છે. સાથે સાથે આધુનિક ટેકનોલોજીનો પણ સહારો લેવામાં આવ્યો છે.
અણધાર્યા પરિણામો આવે ત્યારે વિપક્ષો દ્વારા વખતોવખત ઈવીએમમાં ગરબડના આક્ષેપો સાથે સવાલ ઉઠાવાતા હોય છે, પરંતુ આ વખતે વિપક્ષ દ્વારા ઈવીએમમાં ગરબડ થવાની આશંકાથી સ્ટ્રોંગરૂમ બહાર ખાનગી પહેરો રાખવાનો વ્યૂહ પણ અપનાવવામાં આવ્યો છે.
આટલી સરકારી સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પણ સ્ટ્રોંગરૂમની બહાર રાજકીય પાર્ટીના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને ઉમેદવારો ર૪ કલાક પહેરો ભરી રહ્યા છે. આ ઉમેદવારો અને અગ્રણીનું માનવું છે કે સ્ટ્રોંગરૂમમાં રાખેલા ઈવીએમ સાથે છેડછાડ થઈ શકે છે.
આવી આશંકાથી તેઓ પોલીસની સાથે ર૪ કલાક સ્ટ્રોંગરૂમની સામે પહેરા સાથે સતત નજર રાખી રહ્યા છે. કેટલાક કાર્યકર્તાઓ વારા ફરતી જાગીને કેમ્પસમાં જ ગાદલાં ગોઠવી રાતભર ઈવીએમ પર નજર રાખી રહ્યા છે, જેના કારણે લોકોમાં આ બાબત ચર્ચાનો વિષય બની છે. કેટલીક પાર્ટી દ્વારા સ્ટ્રોંગરૂમના સ્થળની બહાર એક જીપ ગોઠવી દેવામાં આવી છે.
આ જીપમાં કેમરા ફીટ કરવામાં આવ્યા છે અને ર૪ કલાક ગેટની બહાર જ ઉભી રહે છે. સ્ટ્રોંગરૂમ આસપાસ કોણ આવે છે, કોણ જાય છે સહિતની તમામ ગતિવિધિ પર પળેપળની નજર રાખવામાં આવી રહી છે. આ સિવાય મત ગણતરી કેન્દ્ર સંકુલમાં ચેકિંગમાં જવા માટે બે ખાસ પાસ ઈશ્યૂ કરવામાં આવ્યા છે.
સ્ટ્રોંગરૂમમાં સીલ ઈવીએમ વિશે કોઈ શંકા ન રહે તે માટે સરકારી તંત્રે સંકુલમાં જ રહેલા તંબૂમાં કેમેરા ટીવી તથા બેસવા માટે સોફાની વ્યવસ્થા કરી છે. અધિકૃત વ્યક્તિને જયાં જવાની છૂટ છે. કોંગ્રેસ, આપ અને અન્ય પણ છે અપક્ષના અધિકૃત કાર્યકરોને પણ ૮મી સુધી તેનું નિયમિત ચેકિંગ કરવાની સૂચના કોઈ શંકાસ્પદ ઘટનાક્રમ થાય તો પીછો કરવા તથા નેતાનું ધ્યાન દોરવાની પણ સૂચના છે.