ગુજરાતના “યોગી” ગણાતા આ સ્વામી જંબુસરની સીટ જીત્યા
ભરૂચ જીલ્લાની પાંચેય બેઠકો ઉપર ભગવો લહેરાયો -મોદી મેજીક સાથે નરેન્દ્ર – ભુપેન્દ્રની ડબલ એન્જીનની સરકારે ભરૂચમાં જીતના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા
જંબુસરમાં ડી.કે. સ્વામીએ ૨૬૯૭૯ મતોથી જીતી ગુજરાતના યોગીનું બિરૂદ સાર્થક કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં ભાજપે આઝાદી બાદ પ્રથમ વખત પાંચેય વિધાનસભા બેઠકો જીતી ઈતિહાસ સર્જી દીધો છે.નવો કીર્તિમાન સ્થાપિત કરવા સાથે પાંચેય વિજેતા ઉમેદવાર અને ભાજપ વિજય સરઘસ કાઢી આ આઝાદીના અમૃતમહોત્સવ રૂપી અભૂતપૂર્વ વિજયની ઉજવણીમાં જાેતરાઈ ગયું હતું.
ભરૂચ જીલ્લાની વિધાનસભાની પાંચેય બેઠક ઉપર આઝાદી બાદ પ્રથમ વખત ભાજપે ઐતિહાસિક અને અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો છે.ગુરુવારની સવારથી ૮ વાગ્યાથી શરૂ થયેલી રાઉન્ડવાર મતગણતરીમાં ભાજપના પાંચેય બેઠકના ઉમેદવારો પહેલેથી જ આગળ રહ્યા હતા.
આ ચૂંટણીમાં વાગરા,જંબુસર અને ઝઘડિયા બેઠક સાથે અંકલેશ્વર બેઠકે વધુ ઉત્સુકતા જગાવી હતી. વાગરામાં પ્રતિષ્ઠા અને વર્ચસ્વનો જંગ હતો.તો અંકલેશ્વરમાં ભાઈ સામે ભાઈ,જંબુસરમાં સંત સામે પૂર્વ ધારાસભ્ય અને ઝઘડિયા બેઠક ઉપર અત્યાર સુધી અજય રહેલા છોટુ વસાવાને હરાવી ઈતિહાસ સર્જવાની ભાજપની નેમ રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ, જે.પી.નડા,આદિત્યનાથ યોગી સહિતે જીલ્લાઓમાં ચૂંટણી સભા સંબોધી હતી.મોદી મેજીક સાથે ભરૂચ જીલ્લા સંગઠન અને પાંચેય ઉમેદવારોએ પહેલાથી જ પોતાની જીતનો વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ભરૂચ જીલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ પણ ભરૂચ જીલ્લાની પાંચ બેઠકો જીતી આ વખતે ઈતિહાસ સર્જવાની નેમ નરેન્દ્ર મોદીની સભામાં જાહેર મંચ પરથી જ વ્યક્ત કરી હતી.
ગુરુવારે પરિણામો બાદ ભરૂચ જીલ્લામાં પાંચેય વિધાનસભામાં ભાજપની ભવ્ય અને ન ભૂતો ન ભવિષ્ય એવી ઐતિહાસિક જીત થતા જ કમળોત્સવ શરૂ થઈ ગયો છે.હોદ્દેદારો,આગેવાનો, કાર્યકરો,સમર્થકો અને મતદારોમાં પણ પાંચેય બેઠકો ઉપર કમળ ખીલતા જીતનું જશન જાેવા મળી રહ્યું છે.
ભરૂચ બેઠક ઉપર રમેશ મિસ્ત્રી સૌથી વધુ ૬૪૦૯૪ મતો સાથે ભવ્ય વિજયી બન્યા હતા.અંકલેશ્વર બેઠક ઉપર પાંચમી ટર્મમાં પણ ઈશ્વરસિંહ પટેલ ૪૦૩૨૮ મતોથી પોતાના ગઢને અડીખમ અને અભેદ્ય રાખ્યો હતો.તો જંબુસર બેઠક ઉપર ડી.કે.સ્વામીએ ૨૬૯૭૯ મતોથી જીતી ભગવો લેહરાવવા સાથે સંત સમુદાયને પણ આંનદીત કરી દીધા હતા.
આ સહિત વર્ચસ્વ અને પ્રતિષ્ઠાના ખરા ખરીના જંગ સમી બનેલી વાગરા બેઠક ઉપર આ વખતે ભાજપના ઉમેદવાર અરૂણસિંહ રણા સામે અનેક કપરા ચઢાણ ઉભા કરાયા હતા.જાેકે તેઓએ તમામ પડકારો અને કોઠા વીંઝી જીતની શાનદાર હેટ્રિક લગાવી દીધી છે.
અરૂણસિંહ રણા ત્રીજી ટર્મ માટે આ વખતે ૧૩૪૧૦ મતે વિજયી બન્યા હતા. આદિવાસી બેઠક અંકિત કરવી વર્ષોથી ભાજપ માટે એક સ્વપ્ન સમાન હતું.જે આજે આઝાદી બાદ પેહલી વખત અભૂતપૂર્વ વિજય સાથે સાર્થક થયું છે.ઝઘડિયા બેઠક રીતેશ વસાવાએ ૨૩૩૬૭ મતોથી જીતી છોટુભાઈ વસાવાના ૭ ટર્મના અજય રેકોર્ડને પરાજ્યમાં પરિવર્તિત કરી દીધો હતો.આમ ભરૂચ જીલ્લા ની પાંચેય બેઠકો ઉપર ભાજપનો દબદબો રહેતા ભગવો લહેરાયો હતો.