EWSમાં અંદાજે ૪૦૦ કરોડના હપ્તા બાકીઃ મનપાએ નોટિસો આપી
શતાબ્દી મહોત્સવમાં હરિભક્તોને રહેવા માટે મનપા એક હજાર આવાસ આપશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આર્થિક રીતે નબળા લોકો માટે બનાવવામાં આવેલ આવાસના નાણાં માલિકો દ્વારા ભરવામાં આવતા નથી જેના કારણે તંત્ર દ્વારા અંદાજે પ હજાર જેટલા મકાન માલિકોને નોટીસો આપવામાં આવી છે.
શહેરમાં ૧પમી ડીસેમ્બરથી પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણી શરૂ થઈ રહી છે ત્યારે ઉજવણીમાં ભાગ લેવા આવનાર હરિભક્તોને રહેવા માટે મનપા દ્વારા અંદાજે ૧ હજાર આવાસ આપવામાં આવશે.
મ્યુનિ. સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ઈડબલ્યુએસ સ્કીમ અંતર્ગત જે લોકોને મકાન એલોર્ટ કરવામાં આવ્યા છે તે પૈકી પ હજાર કરતા વધુ લોકોએ નિયમિત રીતે હપ્તા ભરપાઈ કર્યાં નથી તેથી જેના ત્રણ કરતા વધુ હપ્તા બાકી હશે
તેમને નાણાં ભરપાઈ માટેની નોટિસ આપવામાં આવશે તેમ છતાં જાે કોઈ માલિક નાણાં ભરપાઈ નહીં કરે તો તેનું એલોર્ટમેન્ટ રદ કરવામાં આવશે અને તેના મકાનની ફાળવણી અન્યને કરવામાં આવી શકે છે. એક અંદાજ મુજબ આ પ્રકારે રૂા.૪૦૦ કરોડની રકમ હપ્તા પેટે બાકી છે.
શહેરમાં ઉજવણી થનાર પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં એલઆઈજી અંતર્ગત ગોતા વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ પરંતુ ફાળવણી ન થઈ હોય તેવા એક હજાર આવાસ હરિભક્તોને રહેવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે. મેટ્રો ટ્રેન આસપાસના જે રોડ બનાવવાના બાકી છે
તે રોડના રિસરફેસ કામ ઝડપથી પુર્ણ કરવા માટે તેમજ મેટ્રો ટ્રેનની આસપાસના દબાણો દુર કરવા અધિકારીઓને સુચના આપવામાં આવી છે. મ્યુનિ. ફાયર વિભાગ દ્વારા જે સબ વાહિની સેવા પુરી પાડવામાં આવે છે તે અંગે કેટલીક ફરિયાદો મળી છે જે આગામી સમયમાં સબ વાહિની વ્યવસ્થા વધુ સારી બને તે માટે પણ જવાબદાર લોકોને આદેશ કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.