માણાવદર ઉમિયા મહિલા મંડળ દ્વારા આયોજિત વાનગી સ્પર્ધા સંપન્ન
(પ્રતિનિધિ) માણાવદર, શિયાળાના આગમન સાથે શરીરમાં કાર્યરત પાચનશક્તિની ગતિ વધે છે ભૂખ ઉઘડે છે શરીરને મળવા જાેઈતા પોષક તત્વો આ સમય દરમિયાન વધારે લેવા જાેઈએ. આ ખ્યાલ અંતર્ગત માણાવદરમાં કાર્યરત રહેલ અને વિવિધ સેવાકીય કાર્યો તેમજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરી બૌદ્ધિક સ્તરને ઊંચે લાવવા જે હંમેશા અગ્રેસર રહ્યું છે તેવા માણાવદરના ઉમિયા મહિલા મંડળ દ્વારા એક વાનગી સ્પર્ધા રાખવામાં આવી હતી જેના આયોજક રતનપરા ભક્તિબેન, માણાવદરિયા વંદનાબેન તથા ડઢાણીયા પાયલબેન હતા.
આ સ્પર્ધામાં શરીરને પોષક તત્વો પૂરા પાડે તેવી જ વાનગી બનાવવાનું આયોજન હતું. જેમાં તલનું ખજૂરિયું, તલના લાડુ, ગુંદર પાક, હલવો, બિસ્કીટ લાડુ, મેથીપાક, જેવી વિવિધ વાનગીઓ સ્પર્ધકો દ્વારા બનાવવામાં આવી હતી. આ સ્પર્ધામાં બાર મહિલાઓએ ભાગ લીધો હતો જેમાંથી ડઢાણીયા ચાંદનીબેન પ્રથમ, મકવાણા ગીતાબેન દ્વિતીય, જસાણી કાજલબેન ત્રીજા સ્થાને વિજેતા બન્યા હતા. વિજેતાઓને આયોજકો તરફથી ઇના વિતરણ કરાયા હતા. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે ઉમિયા મહિલા મંડળના પ્રમુખ કાજલબેન મારડિયા અને મંડળની સર્વે મહિલાઓએ જહેમત ઉઠાવી સ્પર્ધાને સફળ બનાવી હતી