હત્યાના આરોપીઓને લઈને આવતી પોલીસ વાને પલટી મારી : ૯ને ઈજા
મોટરસાયકલ ચાલકને બચાવવા જતા ચાલકે પોલીસ વાન ઉપરથી કાબુ ગુમાવતા ત્રણ આરોપી સહિત છ પોલીસ કર્મીઓને ઈજા
(પ્રતિનિધિ) ફતેપુરા, દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બલૈયા ખાતે ગત ૧૦ નવેમ્બર ૨૦૨૨ ના રોજ સુખસરના મારગાળા ક્રોસિંગ ખાતે રહેતા એક યુવાનને હાથે,પગે ગંભીર ઇજાઓ પહોંચાડી જ્યારે બીજા સુખસરના સંગાડા ફળિયાના એક ૧૯ વર્ષીય યુવાનને માર મારી મોતને ઘાટ ઉતારનાર બાર જેટલા આરોપીઓની વિરુદ્ધમાં ફતેપુરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે.જે પૈકી હાલ સુધી ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જ્યારે અન્ય ઝડપાયેલા ત્રણ આરોપીઓની ઓળખ પરેડ બાકી હોય તેમ જ પૂછપરછ ચાલુ હોય તેવા(૧)કુંદન ચંદાણા તથા (૨ )કાળુ ચંદાણા,બંને રહે.આસપુર(૩)વિશાલ નરેશભાઈ કટારા રહે.સુખસર નાઓને પાછળથી સબજેલ ખાતે મોકલી આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.પરંતુ તેઓને આજરોજ મુદત નહીં હોવાનું ફતેપુરા પોલીસ દ્વારા જાણવા મળી રહ્યું છે.
જ્યારે ઝડપાયેલા અને દાહોદ સબ જેલ ખાતે મોકલી આપેલ આરોપીઓને આજરોજ દાહોદ સબ જેલમાંથી પોલીસ જાપ્તા હેઠળ ફતેપુરા કોર્ટમાં મુદત અર્થે લાવવામાં આવી રહ્યા હતા.તેવા સમયે ફતેપુરા પાસેના વલુંડી ગામે બાજુના રસ્તા ઉપરથી અચાનક આવી ગયેલા મોટરસાયકલ ચાલકને બચાવવા જતા પોલીસવાન ઉપરથી ચાલકે કાબુ ગુમાવતા પોલીસ વાન પલટી મારતા ત્રણ ગુલાટો ખાધી હતી.જેમાં સવાર ત્રણ આરોપીઓ સહિત છ જેટલા પોલીસ કર્મીઓને નાની મોટી ઇજાઓ પહોંચવા પામી હોવાનું જાણવા મળે છે.
જેમાં પોલીસ વાન ચાલક તથા મહિલા કોન્સ્ટેબલને વધુ ઈજાઓના કારણે દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હોવાનું જ્યારે સાત જેટલા ઇજાગ્રસ્તોને ફતેપુરા સરકારી દવાખાનામાં સારવાર આપવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
ઇજાગ્રસ્ત આરોપીઓમાં (૧)શુક્રમભાઈ સવજીભાઈ કટારા, (૨)દીપકભાઈ અતુલભાઇ સંગાડા બંને રહે.સુખસર સંગાડા ફળિયા તથા (૩)દશરથભાઈ ગવજીભાઈ ડીંડોર ભાટ મુવાડી જ્યારે પોલીસ કર્મચારીઓમાં (૧)સંગીતાબેન નારસિંગભાઈ ભાભોર વુમન પોલીસ કોન્સ્ટેબલ ફતેપુરા પોલીસ સ્ટેશન, (૨)મહેશભાઈ પ્રતાપભાઈ ડામોર, ફતેપુરા પોલીસ સ્ટેશન (૩)અરવિંદભાઈ ચુનિયાભાઈ બારીયા,ગરબાડા પોલીસ સ્ટેશન ડ્રાઇવર (૪) પ્રકાશભાઈ પુનિયાભાઈ ભુરીયા,સુખસર પોલીસ સ્ટેશન(૫)માવજીભાઈ સવજીભાઈ કેડ,લીમડી પોલીસ સ્ટેશન(૬) વિવેકભાઈ નરેશભાઈ સાધુ,ચાકલીયા પોલીસ સ્ટેશનના ઓને નાની મોટી ઇજાઓ થવા પામેલ છે.જે પૈકી સંગીતાબેન ભાભોર તથા અરવિંદભાઈ બારીયાના ઓને વધુ ઇજાઓ હોય દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.