કૃષિ મહાવિદ્યાલય કેમ્પસ ભરૂચ ફાર્મ દ્વારા ખેડુત ગોષ્ઠિનું આયોજન કરાયું
(પ્રતિનિધિ) ભરૂચ, કૃષિ મહાવિદ્યાલય,ન.કૃ.યુ, કેમ્પસ ભરૂચ મકતમપૂર ફાર્મ દ્વારા ક્ષેત્ર મુલાકાત તેમજ ખેડુત ગોષ્ઠિનું આયોજન કરવામાં આવ્યું હતું.જૈવિક ખાતરો તેમજ જૈવિક દવાઓ વિષેનું માર્ગદર્શન મળી રહે તે હેતુસર કોલેજનાં આચાર્ય ડૉ.ડી.ડી.પટેલના માર્ગદર્શનથી તેમજ કોલેજનાં વનસ્પતિ રોગશાસ્ત્ર વિભાગનાં સહપ્રાધ્યાપક અને વડા, ડૉ.ડી.એમ.પાઠકનાં વડપણ હેઠળ ખેડુતોનાં ખેતરે સીધી અને સચોટ માહિતી મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું છે.
“ગુજરાત હોર્ટીકલ્ચર મિશન” અંતર્ગત ચાલતી યોજના “એસ્ટાબ્લીસમેન્ટ ઓફ બાયોએજન્ટ પ્રોડકશન લેબોરટરી એન્ડ ઈટ્સ યુઝ ફોર કંટ્રોલ ઓફ મેજર પેસ્ટ એન્ડ ડીસીઝ ઇન હોર્ટીકલ્ચર ક્રોપ્સ” હેઠળ ક્ષેત્ર મુલાકાત તેમજ ખેડુત ગોષ્ઠિ દરમ્યાન કૃષિ મહાવિદ્યાલયનાં મદદનીશ પ્રાધ્યાપકઓ ડૉ.જે.આર પંડ્યા અને ડૉ.આર.આર. વાઘુંડે એ જૈવિક ખાતરો જેવાં કે એઝોટોબેક્ટર, રાઈઝોબીયમ,પી.એસ.બી. અને કે.એમ.બી તેમજ જૈવિક દવાઓ જેવી કે ટ્રાયકોડર્મા અને સ્યુડોમોનાસ વિષેની માહિતી પુરી પાડી તેમજ તેનાં વપરાશની પદ્ધતિનું નિદર્શન પણ આપવામાં આવ્યું હતું.
આ સિવાય તુવેર અને મઠના પાકનાં ખેતરોની મુલાકાત કરી સુકારાના રોગ અને તેનાં વ્યવસ્થાપન વિષેની વિસ્તૃત ચર્ચા કરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું.ખેડુતોને સરળતા રહે તે માટે તાંત્રિક માહિતી ધરાવતા એક પેમ્ફ્લેટ્સનું પણ વિતરણ આ વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું.આ ગોષ્ઠિમાં ઉપસ્થિત તમામ ખેડૂતોએ ઊંડાણપૂર્વક રસ ધરાવ્યો હતો.