Western Times News

Gujarati News

નદીઓ પૈસાથી નહીં પણ પ્રયાસોથી બચશે : નર્મદા પરિક્રમાવાસી દાદા ગુરૂ

નર્મદા પરિક્રમા નીકળેલા દાદા ગુરૂ એ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે નર્મદા પર સંવાદ કર્યો

(પ્રતિનિધિ) ભરૂચ, ભારત વર્ષમાં માત્ર નર્મદા નદી જ એવી છે જેના દર્શન માત્રથી મનુષ્યના સઘળા પાપોનો નાશ થાય છે અને જેની પરિક્રમા કરવાનો મહિમા છે.માં નર્મદાના ભક્તો પરિક્રમા સાથે સાથે વિવિધ ધાર્મિક, પર્યાવરણીય ઝુંબેશો સાથે નર્મદા પરિક્રમા કરતા હોય છે.હાલમાં ઓમકારેશ્વર થી શરૂ થયેલી નર્મદા પરિક્રમા ઝઘડિયા તાલુકામાં પ્રવેશી છે.આ નર્મદા પરિક્રમાવાસીઓ તથા તેના મુખ્ય સંચાલક એવા દાદા ગુરૂ (સંત સમર્થ ગુરૂ) દ્વારા વિશેષ ટેક લેવામાં આવી છે.

દાદા ગુરૂ છેલ્લા સવા બે વર્ષથી અન્નનો ત્યાગ કરી ફક્ત નર્મદા જળ પીને જીવી રહ્યા છે.આજરોજ દાદા ગુરૂ નો પરિક્રમા સંધ ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામેથી પસાર થયો હતો ત્યારે ભાલોદ ગામે દાદા ગુરૂ દ્વારા એક નર્મદા સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં ભાલોદના ગ્રામજનોએ આ વિશેષ વ્યક્તિને સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા.

દાદા ગુરૂ ગત નવેમ્બર માસમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વર થી તેમની નર્મદા પરિક્રમા ની શરૂઆત તેમના અનુયાયો સાથે કરી હતી.આ પરિક્રમા ૩૨૦૦ કીમીનુ અંતર કાપી નર્મદાના ઉદગમ, સંગમ થી ફરી ઉદગમ સ્થાન પરથી ઓમકારેશ્વર પૂરી થશે. દાદા ગુરૂ નર્મદાના કિનારા ને મઠ અને તેની આસપાસના વૃક્ષો અને પર્વતોને મૂર્તિ માને છે,તેમણે સંવાદમાં જણાવ્યું હતું કે માં નર્મદાના પાણીમાં કેટલી શક્તિ છે તેનો સંદેશ આપવા તેમણે અન્નનો ત્યાગ કર્યો છે અને તેઓ નર્મદાના પાણી પર જ જીવી રહ્યા છે, દાદા ગુરૂએ છેલ્લા સવા બે વર્ષથી અન્ન નો ત્યાગ કરી નર્મદા જળ ગ્રહણ કરી જ જીવન જીવી રહ્યા છે તેમનું જીવંત ઉદાહરણથ તેઓ જાતે છે તેમ જણાવ્યું હતું.

તેઓ માને છે કે નર્મદાના પાણીમાં ખૂબ શક્તિ છે.આપણે પ્રકૃતિની નજીક રહીશુ તો તે આપણને આપમેળે જ બચાવશે, શરીરને બતાવી તેમણે જણાવ્યું હતું કે આ એક માટી જ છે જે માટી શ્રીકૃષ્ણએ ખાધી હતી.આપણે વૃક્ષો ની પૂજા અમસ્તા નથી કરતા એ જ આપણી સંસ્કૃતિ છે અને એ જ આપણા ભગવાન છે.

નર્મદા પરિક્રમા દરમ્યાન પ્લાસ્ટિકનો કચરો આપણે તેના કિનારે જ ફેંકીએ છીએ. તેમણે જણાવ્યું હતું કે અમરકંટક થી અંકલેશ્વર સુધી નર્મદા કિનારે એવો કોઈ ઘાટ નથી કે જ્યાં ગંદકી ન હોય.દેશમાં ઘણી મોટી નદીઓ છે પરંતુ માં નર્મદાની જ પરિક્રમા કેમ થાય છે ? કેમકે માં નર્મદાનો આ પરિક્રમા માર્ગ જ પોતે જ જીવન જીવવાની એક કુદરતી કળા છે, તે આધ્યાત્મિક અભ્યાસ અને જીવનચક્રને ઓળખવાનો માર્ગ છે, તે સામાન્ય માણસને મહાપુરૂષ અને નળને નારાયણ બનાવે છે.

વધુમાં નદીઓમાં થતી ગંદકી બાબતે તેમણે જણાવ્યું હતું કે પરિવર્તન પૈસાથી નહીં હૃદયથી આવે છે,આજે ગંગા અને નર્મદા ને પ્રદૂષણ મુક્ત કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરાય છે, છતાં તેની સફાઈ કરવી એક પડકાર છે, નદીઓ પૈસાથી નહીં પરંતુ પ્રયાસોથી બચશે તેમ તેમણે જણાવ્યું હતું.દાદા ગુરૂનો પરિક્રમા સંઘ આજરોજ ઝઘડિયા જગદીશ મઢી ખાતે રાત્રી રોકાણ કરશે અને ત્યારબાદ સંગમ તરફ આગળ ધપશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.