પ્રૌઢ મહિલાનો હત્યા કરેલ મૃતદેહનો મામલો : પતિએ જ હત્યા કરી હોવાનો ખુલાસો
ભરૂચ, અંકલેશ્વરના અંબોલી બોરીદ્રા ગામે ૫૫ વર્ષીય આધેડની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે.જેમાં પતિએ જ પત્નીની દારૂ પીવાની લત અને વારંવાર ઝઘડાથી કંટાળી પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા ચકચાર મચી જવા પામી છે.તો બનાવ મામલે પોલીસે હત્યારા પતિની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથધરી છે.
અંકલેશ્વર તાલુકાના આંબોલી બોરીદ્રા ગામ પાસેના એક શેરડીના ખેતરમાં કુવા પાસે ૫૫ વર્ષીય મહિલા ઉર્મિલાબેન ચુનીલાલ ઓડનો મૃતદેહ એક ખેત મજુરે જાેયો હતો.ત્યાર બાદ ગામના સરપંચને આ અંગે જાણ કરવામાં આવી હતી.સરપંચ દ્વારા શહેર પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી. બનાવ અંગેનો કોલ મળતાની સાથે જ ઈન્ચાર્જ વિભાગીય પોલીસ અધિક્ષક તેમજ પોલીસ ઈન્સ્પેકટર સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો.પોલીસને પ્રાથમિક તપાસમાં ઉર્મિલાબેન ઓડની સાડી થી ગળે ટુંપો આપીને હત્યા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઉર્મિલાબેને પહેરેલા ઘરેણાં હેમખેમ છે.તેથી તેમની હત્યાની ઘટના રહસ્યમય બની ગઈ હતી.પોલીસ દ્વારા ઉર્મિલાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ડિસ્પેન્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો. ઘટના મામલે ભરૂચ ન્ઝ્રમ્ અને શહેર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરતા ઊર્મિલાબેનને દારૂ પીવાની ટેવ હોય તેમજ ચુનીલાલને પર સ્ત્રી સાથે સંબંધ હોય આ બાબતે બન્ને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું સામે આવ્યું હતુ.
જે દરમ્યાન ગત ૮ ડિસેમ્બરે પણ ઊર્મિલાબેન અને ચુનીલાલ વચ્ચે ઝઘડો થતા પતિએ પત્નીને માથામાં દંડો મારી દીધો હતો.જે પછી બે દિવસ બાદ ઊર્મિલાબેન નશાની હાલતમાં ઘરે આવતા બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં ચુનીલાલે ઊર્મિલાબેનને મોઢા ઉપર દંડા માર્યા બાદ ગળું દબાવી હત્યા કરી નાંખી હતી. પત્નીની હત્યા બાદ લાશને સીમમાં નાંખી દીધી હોવાની હત્યારા પતિએ કબૂલાત કરી હતી.જેથી ભરૂચ એલસીબી અને શહેર પોલીસે ગુનામાં વપરાયેલ બાઈક અને મોબાઈલ સાથે પતિની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી ગણતરીના કલાકોમાં હત્યાની ઘટનાનો પ્રદાફાર્શ કર્યો હતો.