સુરતમાં સગા માસાએ ૧૧ વર્ષની ભાણીની છેડતી કરી
બીકના કારણે બાળકીએ કોઈને હકીકત જણાવી ન હતી : પોલીસે રાજુ ગાયકવાડની ધરપકડ માટે તજવીજ હાથ ધરી
સુરત, રાજ્યમાં બાળકી સહિત મહિલાઓ સુરક્ષિત જણાઈ રહી નથી. ત્યારે સુરતના પાંડેસરામાં ૧૧ વર્ષની બાળકીને સગા માસાએ બચકાં ભર્યા હોવાની ચકચારી ઘટના પ્રકાશમાં આવી છે. ૧૧ વર્ષીય બાળકી તેની માતા સાથે માસીના ઘરે કામ અર્થે આવી હતી. ત્યારે એકલતાનો લાભ ઉઠાવી માસા રાજુ ગાયકવાડે દાનત બગાડી હતી.
એકલતાનો લાભ ઉઠાવીને માસાએ બાળકીની છેડતી કરી હોઠ પર ચુંબન કરી બચકાં ભર્યા હતા.
પરંતુ સાંજે બાળકીનો હોઠ કાળો પડી ગયો હતો. જેના કારણે સમગ્ર ઘટના પ્રકાશમાં આવી ગઈ હતી. બીકના કારણે બાળકીએ કોઈને હકીકત જણાવી ન હતી. પરંતુ અઠવાડિયા બાદ બાળકીએ નાનીને ફોન કરીને હકીકત જણાવી હતી. ત્યારબાદ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મૂળ મહારાષ્ટ્રની વતની અને કડોદરા ખાતે પતિ, બે પુત્ર અને ૧૧ વર્ષની પુત્રી સાથે રહેતી ૩૫ વર્ષીય મહિલા ૧૯ નવેમ્બરના રોજ બહેન, બનેવી રાજુ ભાનુદાસ ગાયકવાડ ( ઉ.વ.૪૨, રહે.પાંડેસરા, સુરત ) અને તેના બાળકો સાથે વતનથી સુરત આવ્યા હતા અને પાંડેસરા રોકાયા હતા. મહિલા અને તેની બહેનને એકસાથે મકાન ભાડે લેવાનું હોવાથી બન્ને બહેન સવારે મકાન જાેવા ગયા હતા, ત્યારે ઘરે બનેવી રાજુ ગાયકવાડ, તેના બાળકો અને મહિલાની પુત્રી ઘરમાં એકલા હતા.
પરંતુ જ્યારે મહિલા અને તેની બહેન સાંજે ઘરે પરત ફર્યા ત્યારે પુત્રીનો હોઠ કાળો પડી ગયો હતો અને તે મહિલાને પકડીને રડવા લાગી હતી. આ ઘટના બાદ મહિલાએ પુત્રીને કારણ પૂછ્યું હતું પણ તેણે કંઈ કીધું નહોતું. ત્યારબાદ મહિલા બનેવી સાથે પુત્રીને સારવાર માટે ડોક્ટર પાસે લઈ ગઈ હતી અને ત્યાંથી મહિલાનો પતિ આવ્યો હતો અને તેની સાથે મહિલા બાળકીને લઈ કડોદરા ચાલી ગઈ હતી.
આ ઘટનાને એક અઠવાડિયાનો સમય વીત્યો હતો અને પછી મહિલાની પુત્રીએ નાનીને ફોન કરી કહ્યું હતું કે જ્યારે અમે માસીના ઘરે રોકાયા હતા અને માસી તેમજ મમ્મી મકાન જાેવા ગયા હતા ત્યારે બપોરે હું સૂતી હતી ત્યાં માસા આવ્યા હતા. તેમણે બંને હાથથી પકડીને મારા હોઠ પર કીસ કરી હતી અને હોઠ પર બચકા ભર્યા હતા. મેં ના પાડી તેમ છતાં માન્યા નહોતા અને મમ્મીને કહીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
તેથી મેં મમ્મીને કહ્યું નહોતું.પુત્રીની આ વાત સાંભળીને તેની નાની હબકાઈ ગઈ હતી અને તેણે પોતાની દીકરીને ફોન કરીને સમગ્ર ઘટના વિશે જાણ કરી હતી. ત્યારબાદ પુત્રીએ પોતાની માતાને રડતાં રડતાં સમગ્ર ઘટના જણાવી હતી. ત્યાર બાદ મહિલા પોતાની પુત્રીને લઈને બહેનના ઘરે ગઈ હતી અને તેને વાત કરીને પાંડેસરા પોલીસ મથક પહોંચી હતી. મહિલાએ બનેવી વિરુદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. બીજી બાજુ પાંડેસરા પોલીસે બનેવી રાજુ ગાયકવાડની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.