Western Times News

Gujarati News

ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થાનિકો માટે રોજગારીની તકો વધારવા માંગ

ઝઘડિયાની સ્થાનિક સંસ્થા દ્વારા ઝઘડીયા પ્રાંત અધિકારીને લેખિતમાં રજુઆત

(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીલ્લાના ઝઘડિયા ખાતે આવેલ જીઆઈડીસીમાં રોજગારી બાબતે સ્થાનિક કામદારોની સરખામણીએ પરપ્રાંતિય કામદારોને વધુ મહત્વ અપાતું હોવાની ચર્ચાઓ લાંબા સમયથી તાલુકામાં ઉઠી રહી છે.ઝઘડિયા સ્થિત સ્થાનિક સંસ્થા મલ્ટીપલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના પ્રમુખ મિતેશભાઈ પઢિયાર દ્વારા ઝઘડિયાના પ્રાંત અધિકારીને આ અંગે લેખિતમાં રજુઆત કરીને ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થાનિક કામદારો માટે રોજગારીની તકો વિસ્તૃત બનાવાય એવી માંગ કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયા મુજબ જીઆઈડીસીમાં કામ માટે જતા લોકોનું શોષણ થતું હોવાની વાતો ઉઠવા પામી છે.ઉપરાંત વેતન બાબતે પણ સરકારી નિયમોનો ભંગ થતો હોવાની રજુઆત કરવામાં આવી હતી.કામદારોને બેઝિક સુવિધાઓ બાબતે પણ અન્યાય થતો હોવાની તેમજ સ્થાનિક અને પર પ્રાંતિય કામદારો વચ્ચે પણ જીઆઈડીસીની કેટલીક કંપનીઓ ભેદભાવ રાખતી હોવાનો આક્ષેપ રજુઆતમાં કરવામાં આવ્યો હતો.

સ્થાનિક યુવાનોને જીઆઈડીસીમાં યોગ્ય પ્રમાણમાં રોજગાર મળે તે માટે તંત્ર દ્વારા વહેલી તકે ઘટતા પગલા લેવાય તેવી માંગ રજુઆતમાં કરવામાં આવી હતી.રજુઆતની નકલ ભરૂચ જીલ્લા કલેક્ટર અને ઝઘડિયા મામલતદારને પણ આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં સ્થાનિકોની સરખામણીએ પર પ્રાંતિયોને નોકરીમાં પ્રાધાન્ય આપવાની કેટલાક ઉધોગ સંચાલકોની નિતીને લઈને તાલુકાની જનતામાં રોષની લાગણી ફેલાવા પામી છે.આને લઈને ઘરના છોકરા ઘંટી ચાટે એવો ઘાટ થતો દેખાઈ રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.