યુવાનો માટે તા.૧ જાન્યુઆરીથી નર્મદા ખાતે નર્મદા શ્રમ અને સેવા શિબિર યોજાશે
રસ ધરાવતા યુવક યુવતીઓએ તા.૨૦ ડિસેમ્બર-૨૦૨૨ સુધી અરજી કરવાની રહેશે
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, હેઠળની કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા આગામી તા. ૧લી જાન્યુઆરી ૨૦૨૩ થી તા.૩જી જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન “નર્મદા શ્રમ અને સેવા શિબિરનું નર્મદા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યના તા.૩૧ ડિસેમ્બરની સ્થિતિએ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા સાથે રસ ધરાવતા યુવક યુવતીઓએ તા.૨૦ ડિસેમ્બર-૨૦૨૨ સુધી અરજી કરવાની રહેશે. આ શિબિરમાં નર્મદા નદીની આસપાસ પર્યાવરણને લગતું શ્રમ કાર્ય, નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે. તેમ યુથબોર્ડ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
વધુમાં જણાવ્યાનુસાર આ શિબીરમાં જોડાવા માગતા ઉમેદવારોએ પોતાના જિલ્લાની જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી ખાતેથી ફોર્મ મેળવી પુરૂ નામ સરનામું, આધાર કાર્ડ/ ચુંટણી મતદાતા ઓળખકાર્ડ/ રાજ્ય કેન્દ્ર સરકાર શાળા,કોલેજ કે યુનિવર્સીટી દ્વારા અપાયેલ ફોટા સાથેના ઓળખકાર્ડની પ્રમાણીત નકલ
તથા રહેઠાણના પુરાવા તરીકે રેશનકાર્ડ/ લાઇટબીલ/ ગેસબીલ/ ટેલીફોન બીલની પ્રમાણીત નકલ સામેલ કરવી. તેમજ જન્મ તારીખનો પ્રમાણપત્ર શાળા છોડયાના પ્રમાણપત્રની નકલ સાથે શૈક્ષણિક લાયકાત/ વ્યવસાય અંગેની માહિતી, પર્વતારોહણ, એન.સી.સી., એન.એસ.એસ કે સ્કાઉટ ગાઇડ,
હોમ ગાર્ડઝ જેવી પ્રવૃત્તિઓની શિબિરમાં તથા રમતગમત પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ હોય તો તેની વિગત, શારિરીક તંદુરસ્તી ધરાવતા હોવાનું ડોક્ટરનું પ્રમાણપત્ર, તાજેતરમાં પડાવેલ પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ સહિત વાલીનો સંમતિ પત્ર સાથેની અરજી તા ૨૦ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી,
જિલ્લા રમતગમત અધિકારીશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજે માળ, રૂમ નંબર-૨૧૭, તા. રાજપીપળા, જિ.નર્મદા ખાતે મોકલી આપવાની રહેશે. પસંદગી પામેલ ઉમેદવારોને તેમના નિવાસ સ્થાનથી શિબિરના સ્થળ સુધી આવવા-જવાનો પ્રવાસ ખર્ચ તથા ભોજન-નિવાસની વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
પસંદગી પામેલ ઉમેદવારોને તેઓની પસંદગી બાબતે ટેલીફોનિક જાણ કરવામાં આવશે, અધુરી વિગતોવાળી અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જેની ખાસ નોંધ લેવા વધુમાં જણાવાયું છે.