Western Times News

Gujarati News

બિલ્ડર પર હુમલાનો આરોપી લોકગાયક દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થયો

(એજન્સી)રાજકોટ, મયૂરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કરાવવાના આરોપનો સામનો કરી રહેલો લોકગાયક દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે. રાજકોટ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડની કસ્ટડી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.

દેવાયત ખવડ છેલ્લા નવ દિવસથી પોલીસને હાથતાળી આપી રહ્યો છે. ધરપકડથી બચવા માટે તેણે કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. દેવાયત ખવડ વિરુદ્ધ રાજકોટ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસ બદલ કલમ ૩૦૭ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજકોટ ક્રાઈમ બ્રાંચના એક અધિકારીએ સ્થાનિક મીડિયાને જણાવ્યું હતું કે, દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો છે, પરંતુ તેના બે સાથીઓ હજુય ફરાર છે. ૧૭ ડિસેમ્બરના રોજ તેની આગોતરા જામીન અરજી પર પણ વધુ સુનાવણી થવાની છે.

દેવાયત ખવડે રસ્તા પર ચાલતા જઈ રહેલા મયૂરસિંહ રાણા પર લાકડી-ધોકા વડે પોતાના સાગરિતો દ્વારા હુમલો કરાવ્યો હતો. જેમાં મયૂરસિંહને ગંભીર ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ થવાનો વારો આવ્યો હતો. આ ઘટનાના રાજકોટમાં ખૂબ જ ઘેરા પ્રતિસાદ પડ્યા હતા.

ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી આપતા પોલીસ સમક્ષ જલ્દીથી જલ્દી દેવાયતની ધરપકડ કરવા માટે માગ કરી હતી, તો બીજી તરફ પીડિતના પરિવારજનો દ્વારા આ મામલે વડાપ્રધાન કાર્યાલય સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી. મયૂરસિંહ પર ૦૭ ડિસેમ્બરના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, હાલ દેવાયતની પૂછપરછ કરવામાં આવી રહી છે. દેવાયતે કરાવેલા હુમલામાં ભોગ બનનારા મયૂરસિંહ રાણા તેમજ દેવાયત પાડોશી છે. તેમને પાર્કિંગ બાબતે થોડા સમય પહેલા માથાકૂટ થઈ હતી. એવું કહેવાઈ રહ્યું છે કે તે સમયે દેવાયતે મયૂહસિંહને રિવોલ્વર બતાવીને ધમકી આપી હતી.

તો બીજી તરફ, મયૂરસિંહે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ કરી દેવાયતને ગાળો આપી હતી. જેની દાઝ રાખીને દેવાયતે તેમના પર હુમલો કરાવ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. મયૂરસિંહ પર હુમલો થયો ત્યારથી જ દેવાયત ગાયબ થઈ ગયો હતો. તેને શોધવા માટે પોલીસે ઘણા પ્રયાસો કર્યા હતા, પરંતુ તે હાથમાં નહોતો આવ્યો.

આગોતરા જામીન અરજી ફગાવી દેવાશે તેવા ડર સાથે દેવાયત આજે સામેથી જ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હોવાની ચર્ચા છે. જાેકે, હુમલામાં સામેલ તેના બે સાથીઓ હજુય પોલીસની પકડની બહાર છે. દેવાયત વિરુદ્ધ કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.