બેંકના પટ્ટાવાળાએ પત્નીને ડમી ગ્રાહક બનાવી ચોરીને આપ્યો અંજામ
એલિસબ્રિજમાં બેંક લોકરની ચોરીનો પર્દાફાશ- પત્નીને ડમી ગ્રાહક બનાવી નિષ્ક્રીય પડેલા લોકરમાંથી લાખોની કિંમતના દાગીના અને રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો
અમદાવાદ, અમદાવાદમાં બેંકના પટ્ટાવાળા તરીકે કામ કરતા કર્મચારીએ તેની પત્ની સાથે મળી બેંકનું લોકર લૂંટયુ છે. પટ્ટાવાળાએ બેંકના લોકરમાંથી ૪૭.૮૮ લાખની કિમતી ચીજવસ્તુઓની ચોરી કરી છે. લોકરમાં રહેલા કિમતી વસ્તુઓની ચોરી કરવા માટે દંપતીએ પ્લાન બનાવ્યો હતો.
જે મુજબ લોકરમાંથી ચોરી કરવામાં સફળ રહ્યા અને બેંક કર્મીઓને પણ તેની જાણ થઈ ન હતી. જાે કે એલિસબ્રિજ પોલીસે પેટ્રોલિંગ સમયે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે શંકાસ્પદ જણાતા યુવકની પૂછપરછ કરતા તેની પાસેથી સોનાના દાગીના અને વિદેશી ચલણી નોટ સાથે કિમતી વસ્તુ મળી આવી હતી.
ચિરાગ દાતણિયાની પૂછપરછ કરતા એલિજબ્રિજ પ્રીતમનગર પાસે આવેલી બેંક ઓફ બરોડમાં પટ્ટાવાળા તરીકે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે અને પોતાની બેંકના લોકર ખોલી ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. જેને લઈ પોલીસે તપાસ કરતા બેંકના બે લોકર ખોલીને લાખો રૂપિયાની કિંમતી ચિઝવસ્તુઓની ચોરી થઈ હતી. જે બાદ બેંકના મેનેજરે એલિજબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
બેંકમાં રહેલા ૧૦ જેટલા લોકરનો છેલ્લા ઘણા સમયથી ઉપયોગ કોઈ ગ્રાહક કરતા ન હતા અને લોકરનો ચાર્જ પણ ચૂકવતા ન હતા. જેથી ૧૦ લોકરોની કિંમતી ચીઝવસ્તુઓ બેંકના અધિકારીઓ ગણતરી કરી અન્ય ૪ લોકરમાં મુકી હતી. આ ૪ લોકરમાં રહેલ કિંમતી વસ્તુઓ પર બેંકના પટ્ટાવાળા ચિરાગ દાતણીયાની નજર બગડી હતી.
જેથી લોકરમાંથી ચોરી કરવાનો પત્ની સાથે પ્લાન કર્યો. જેમાં આરોપી ચિરાગે તેની પત્ની અર્ચના દાતણીયાનીને ડમી ગ્રાહક તરીકે બેંકમાં બોલાવી અને રજીસ્ટ્રેશન બુકમાં ખોટી એન્ટ્રી કરી લોકર રૂમમાં પ્રવેશ મેળવ્યો. પટ્ટાવાળા તરીકે કામ કરતા આરોપી ચિરાગે અગાઉથી બે લોકરમાં રહેલ કિંમતી સામાન કાઢી દીધો હતો.
જ્યાં લોકર રૂમમાં પત્ની અર્ચના અંદર આવતા જ કિંમતી સામાન બેગમાં મૂકી જતી રહી હતી. જે થોડા દિવસ બાદ ચિરાગ કિંમતી સામાનવાળો બેગ લઈ જતા પોલીસના હાથે પકડાયો અને લોકર ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો. આરોપી ચિરાગ દાતણીયા છેલ્લા બે વર્ષથી બેંકમાં પટ્ટાવાળા તરીકે નોકરી કરે છે.
જેથી બંધ લોકરમાં રહેલ કિંમતી સામાન હવે કોઈ ગ્રાહક લેવા નહીં આવે તેમ સમજી તેના પર દાનત બગાડીને ચોરી કરી હોવાનું કબૂલાત કરી છે. પોલીસે દંપત્તિ પાસેથી ચોરી કરેલ સામાનમાં સ ૧.૨૦૦ કિલોના સોનાના દાગીના, ૧.૯૯૮ કિલોના ચાંદીના દાગીના, ૩ નંગ પાસપોર્ટ, વિદેશી ચલણી નોટો મળી કુલ ૪૭.૯૯ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
જેમાં અન્ય સોનાના ૩ મંગળસૂત્ર, ૮ બંગડી અને બે ચેઇન મળી આવ્યા નથી. જેમા આરોપીએ બીજાને વેચી નાખ્યા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે, સાથે જ લોકર ચોરીના કેસમાં બેંકના કોઈ કર્મચારી સંડોવાયેલા છે કે કેમ તેને લઈ આરોપી દંપતીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.