ન્યુ વાવોલમાં નવા બનેલા સીસી રોડને નુકસાન પહોંચાડતા બિલ્ડરો
તાજેતરમાં જ નવનિર્માણ પામેલાં સીસી રોડ પર જ વેલ્ડીંગ-કટીંગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું
ગાંધીનગર, સામાન્યપણે રોડ-રસ્તા ખરાબ હોય કે તૂટેલાં હોય તો જવાબદાર તંત્રને ભાંડવામાં નાગરિકો પાછા પડતાં નથી પરંતુ દર વખતે તંત્ર જ એના માટે જવાબદાર હોય તે જરૂરી નથી હોતું. એક જવાબદાર નાગરિક તરીકે સૌની ફરજ હોય છે કે રોડ-રસ્તા હોય કે અન્ય કોઈપણ જાહેર મિલકતો હોય કે સુવિધાઓ, તે આપણાં સૌની સહિયારી હોય છે
અને તેથી તેને સાચવવાની જવાબદારી પણ આપણાં સૌની હોય છે. જાહેર મિલકત કે સુવિધાઓનો દુરુપયોગ કરવો કે તેને નુકસાન પહોંચે તેવાં કાર્યાે કરવા તે એક જવાબદાર નાગરિક કે સમાજ માટે યોગ્ય બાબત ના કહેવાય પરંતુ આપણાં ત્યાં દરેકને ફરિયાદો તો અઢળક કરવી છે
પરંતુ કોઈ કહે નહીં ત્યાં સુધી ફરજ એક પણ નિભાવવી નથી. આવી જ સ્થિતિ ગાંધીનગરના ન્યુ વાવોલ વિસ્તારમાં ગુડાની પાણીની ટાંકીની બાજુમાં નવા બનેલા સીસી રોડ પર જાેવા મળી રહી છે. આ વિસ્તારમાં નવી અસંખ્ય રહેણાંક સ્કિમો વીકસી રહી છે
પરંતુ મોટા ભાગના પ્રોજેક્ટના ડેવલોપર્સની નિયત ધારાધોરણોનું પાલન કરવા બાબતે બેદરકારી દાખવવામાં પાછા પડતાં નથી અને પોતાના ફાયદા માટે જાહેર સુવિધાઓને નુકસાન પહોંચાડતા અચકાતાં પણ નથી. એટલે સુધી કે ન્યુ વાવોલ વિસ્તારમાં ગુડાની પાણીની ટાંકીની બાજુમાં નવા બનેલા સીસી રોડ પર વિકસી રહેલી
એક રહેણાંક કમ કોમર્શિયલ સ્કિમના બિલ્ડર દ્વારા તો તાજેતરમાં જ નવનિર્માણ પામેલાં સીસી રોડ પર જ વેલ્ડીંગ-કટીંગનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે જેના કારણે નવા બનેલા રોડને નુકસાન પહોંચી રહ્યું છે. નવનિર્મિત રોડની થઇ રહેલી દુર્દશાને કારણે આ વિસ્તારના જાગૃત નાગરિકોમાં ચિંતાની લાગણી પ્રસરવા પામી છે. સત્વરે નવા સીસી રોડનો આ રીતે થઇ રહેલો દુરુપયોગ અટકાવાય તેવી આ વિસ્તારની જનતામાં લાગણી પ્રવર્તતી જાેવા મળી રહી છે.