Western Times News

Gujarati News

સિવિલમાં અંગદાનમાં મળેલા ફેફસાને ઇસ્ટ આફ્રિકાની મહિલા દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા

અમદાવાદ સિવિલ મેડિસીટીમાં ઉપલબ્ધ શ્રેષ્ઠત્તમ સુવિધાઓના કારણે ગુજરાત હવે મેડિકલ ટુરીઝમ હબ તરીકે ઉભરી આવ્યું છે –મંત્રી શ્રી ઋષિકેશ પટેલ, આરોગ્યમંત્રી,ગુજરાત

સિવિલ હોસ્પિટલમાં ૯૬ મું અંગદાન : બ્રેઇનડેડ રાકેશભાઇ વાધેલાના બે કિડની, લીવર અને ફેફસાનું દાન મળ્યું

ગુજરાત સરકારના સહયોગથી સિવિલ હોસ્પિટલ કરી રહી છે દર્દીઓના દુઃખ દર્દ દૂર : સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી

ગુજરાતના મેડિકલ ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ સિધ્ધી ઉમેરાઇ.અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શનિવારે રાત્રે થયેલા ફેફસાના અંગદાને ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલાને નવજીવન આપ્યું. ગુજરાતની સેવા-સંસ્કાર પરંપરાની સુવાસ ફેલાવતા આ કિસ્સાને વિગતે સમજીએ.

વાત જાણે એમ બની કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સુરેન્દ્રનગરના રાકેશભાઈ વાઘેલા સારવાર દરમિયાન બ્રેનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો. જેમાં બે કિડની, લીવર અને જૂજ કિસ્સામાં સફળતા મળે છે તેવા ફેફસાનું દાન કર્યું.આ ફેફસાના દાનના પગલે ઈસ્ટ આફ્રિકાના સેશલ્સના ૩૫ વર્ષીય મહિલા દર્દીના જીવનમાં પુન: પ્રાણવાયુનો સંચાર થયો.*

રવિવારે વહેલી સવારે સિવિલ હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફતે બ્રેઈનડેડ દર્દીના ફેફસાને મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહિલા દર્દીમાં પ્રત્યારોપણ માટે લઈ જવામાં આવ્યા. છ થી આઠ કલાક ચાલેલી પ્રત્યારોપણ સર્જરીના અંતે મહિલાને સાચા અર્થમાં નવજીવન મળ્યું.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગઇ કાલે તારીખ ૧૭ મી ડિસેમ્બરે થયેલું આ અંગદાન ૯૬ મું અંગદાન હતું.આ અંગદાનની વિગતો જોઇએ. સુરેન્દ્રનગરના ૨૫ વર્ષીય રાકેશભાઇ વાઘેલાને માથાના ભાગમાં તકલીફ ઉભી થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ  હોસ્પિટલમાં લાવવામાં આવ્યા. જ્યાં સારવાર દરમિયાન બ્રેઇનડેડ જાહેર કરાયા.સિવિલ હોસ્પિટલના તબીબોના કાઉન્સિલિંગના કારણે તેમના પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા મળી.

અહીં ઉલ્લેખનીય છે કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલે વર્ષ ૨૦૨૦ ના ડિસેમ્બર મહિનામાં શરૂ કરેલા અંગદાનના સેવાયજ્ઞને ૨ વર્ષ પૂર્ણ થયા છે. આ બે વર્ષમાં સિવિલ હોસ્પિટલના તબીબોના અથાગ મહેનત તેમજ અંગદાતાના પરિવારજનોના સહકાર અને સેવાભાવના પરિણામે આજ દિન સુધી કુલ ૯૬અંગદાન થયા છે. આ ૯૬ અંગદાનમાં મળેલા ૩૦૩ અંગોને ૨૮૦ જરૂરિયાતમંદ દર્દીઓમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરીને નવજીવન આપવામાં આવ્યું છે.

આ સેવાયજ્ઞની વિગતો આપતા સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે  છે કે, સિવિલ હોસ્પિટલે આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં સીમાચિહ્નરૂપ કહી શકાય તેવો કિસ્સો ગઇ કાલે રાત્રે જોવા મળ્યો છે. ગુજરાતના બ્રેઈનડેડ દર્દીના ફેફસાનું ઈસ્ટ આફ્રિકાના સેશલ્સની મહિલામાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયું.

ગુજરાતમાં આરોગ્ય સેવાઓના વિકાસ-વિસ્તારમાં રાજ્ય સરકારની ભૂમિકાની પ્રશંસા કરતાં સિવિલ સુપ્રિટેન્ડેન્ટ કહે છે કે, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનું સેવાકાર્ય વધુ વેગવંતુ બન્યું છે. ડો.જોષી ઉમેરે છે કે, રાજ્યની વિવિધ આરોગ્ય સેવાઓનો લાભ દર્દીઓને મળી રહ્યો છે.

સિવિલ હોસ્પિટલની સિદ્ધિને બિરદાવતા ગુજરાતના આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ કહે છે કે, મેડીસિટીને વિશ્વ સ્તરીય બનાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ  જોયેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મંત્રીશ્રી ગૌરવભેર કહે છે કે, મેડિસિટીમાં ઉપ્લબ્ધ સુવિધાઓને કારણે અમદાવાદ હવે મેડિકલ ટુરીઝમના હબ તરીકે ઉભરી આવ્યું છે.

…………………………………..

-અમિતસિંહ ચૌહાણ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.