પેથાપુરમાં GEB ચાર રસ્તા નજીક અસહ્ય દુર્ગંધથી લોકો ત્રાહિમામ
મરેલા પશુઓની અસહ્ય દુર્ગંધ આવી રહી છે જેની સામે લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે
ગાંધીનગર, ગાંધીનગર મહાનગર પાલિકાના પેથાપુર વિસ્તારમાં જીઈબી ચાર રસ્તાથી ચરેડી વિસ્તારમાં અસહ્ય દુર્ગંધના કારણે સામાન્ય જનતા પરેશાન થઈ રહી છે. ગાંધીનગરથી મહુડી જેવા પવિત્ર યાત્રાધામ તરફ જવાના રસ્તા ઉપર સેકટર-ર૮ રેલવે ક્રોસિંગ સુધી તો બધુ બરાબર છે,
પરંતુ જેવું જીઈબી ચોકડી તમે પસાર કરો કે તમને અસહ્ય ગંદકી અને દુર્ગંધનો સામનો કરવો પડે છે. આ દુર્ગંધ કોઈ મરેલા પશુઓની હોય છે. આ દુર્ગંધ એક દિવસ હોય તો સમજી શકાય પરંતુ આ અસહ્ય દુર્ગંધ દરરોજ ર૪ કલાક આવે છે જેની તંત્ર નોંધ નથી લઈ રહ્યું એની સજા સામાન્ય જનતા ભોગવી રહી છે. કતલખાના હવે રહ્યા નથી તો પણ અસહ્ય દુર્ગંધ ફકત આ જ એરિયામાં કેવી રીતે આવી શકે અને ક્યાંથી આવી રહી છે એ જાેવાની જવાબદારી તંત્રની છે.
સામાન્ય જનતાની એક માંગ ઉઠી છે કે આ દુર્ગંધ સત્વરે દૂર થાય, એના ઉપર કડક પગલાં લેવાય અને કાયમી ધોરણે આનો ઉકેલ આવે એવી રજૂઆત કરવામાં આવી છે. જાે આ બાબતે કોઈ પગલા નહી લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે નીકળવાની પેથાપુરની સોસાયટીના રહીશોની તૈયારી છે.
રેલવે ફાટકની આસપાસ ઝુંપડપટ્ટીના કારણે પણ આ વિસ્તારમાં ગંદકીનું વાતાવરણ ફેલાયુ છે. વાહનચાલકોને પણ આ વિસ્તારમાંથી પસાર થતા અસહ્ય દુર્ગંધમાંથી નીકળવાનો વારો આવ્યો છે. સ્વચ્છતાના પાઠ ભણાવતા તંત્રને આ વિસ્તારમાંથી ગંદકી અને દુર્ગંધ દૂર કરવા માટે જનતા આગ્રહ કરી રહી છે.
અહીંયાથી પસાર થતા પેથાપુરના નાગરિકોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડે છે. નાક બંધ કરીને પસાર થાઓ તો પણ દુર્ગંધનો સામનો કરવો પડે તેટલી સખત દુર્ગંધ આવી રહી છે તેથી રહિશોની ઉગ્ર માંગ ઉઠી રહી છે કે આ દુર્ગંધ ન આવે તે માટેના પગલા લેવામાં આવે નહી તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.