અમદાવાદ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત શાળા બહારના બાળકોની સર્વે કામગીરીનો પ્રારંભ
જિલ્લા પ્રોજેક્ટ કો-ઓડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અમદાવાદની અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર રાઈટ ટુ એજ્યુકેશન,એક્ટ ૨૦૦૯ની જોગવાઈ મુજબ ૬થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે.
અમદાવાદ જિલ્લામાં સમગ્ર શિક્ષા અંતર્ગત જુદા-જુદા કારણોથી શાળા બહાર રહેલ કે કદીએ શાળાએ ન ગયેલ હોય તેવા તમામ ૬થી ૧૯ વર્ષની વયજૂથના બાળકો કે જેઓ પોતાનું ધોરણ-૧થી ધો-૧૨નું શિક્ષણ પૂર્ણ કરી શક્યા નથી તેવા બાળકોની, શાળા બહારના દિવ્યાંગ સહિતના બાળકોની સર્વે અંગેની કામગીરી તા.૧૬/૧૨/૨૦૨૨થી શરૂ થઇ ચૂકી છે
અને તા.૨૦/૦૧/૨૦૨૩ સુધી ચાલનાર છે. આ કામગીરીમાં સમગ્ર શિક્ષા પ્રોજેક્ટ સ્ટાફ, શાળા વ્યવસ્થાપન સમિતિ તથા અન્ય વિભાગના સહયોગ પ્રાપ્ત થઇ રહ્યો છે. તો આ સર્વે પ્રક્રિયામાં નાગરિકોનો પણ સહકાર મળી રહે તેવી વિનંતી છે.
અમદાવાદ જિલ્લાના તમામ તાલુકાઓમાં આવેલ માનવ વસવાટ વિસ્તારોમાં આવેલ શાળા બહારના દિવ્યાંગ સહિતના બાળકોના સર્વે અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી/જિલ્લા શિક્ષણાધિકારીશ્રી જિલ્લા પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર સમગ્ર શિક્ષા કચેરી દ્વારા લોક સમુદાયને આ સર્વેમાં સહભાગી બનવા અનુરોધ કરાયો છે.
રાજ્યમાં અભ્યાસથી એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવું સરકારશ્રીનું આયોજન છે. બાળકોના શિક્ષણમાં સહભાગી થવું એ નૈતિક ફરજ માની આ સર્વેમાં લોકોને સહભાગી થવા જણાવવામાં આવ્યું છે.
વિશેષમાં જણાવવાનું કે સર્વેમાં મળેલ તમામ બાળકોની માહિતી જે તે તાલુકાના સી.આર.સી/બી.આર.સી. ભવન ખાતે આપવામાં આવે એવી વિનંતી છે.