Western Times News

Gujarati News

૧૦ દિવસથી વોન્ટેડ ત્રણ આરોપીઓ પોલીસના સકંજામાં

ભાવનગર, જિલ્લાના સિહોરના મોટાસુરકા ગામે ગુંડાઓના ત્રાસથી કંટાળીને સગીરા હિમાંશી જસાણીએ ૧૦ દિવસ પહેલાં આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે પોલીસે પણ આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પરંતુ પોલીસ ત્રણેય ગુનેગારોનો શોધવામાં નિષ્ફળ રહી છે. ત્યારે આ મામલે સગીરાના પરિવારજનો સહિત સમાજના અગ્રણીઓએ ન્યાયની માગ કરી ભાવનગર રેન્જ આઇજીને રજૂઆત કરી છે.

મળતી માહિતી પ્રમાણે, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સુરકા ગામે રહેતી હિમાંશી જસાણી નામની ૧૬ વર્ષીય સગીરા સિહોરમાં અભ્યાસ કરતી હતી અને દરરોજ અભ્યાસ માટે સુરકા ગામથી સિહોર અપડાઉન કરતી હતી. પરંતુ ગામના જ માથાભારે અને લુખ્ખા તત્વોના ત્રાસને કારણે આત્મહત્યા કરી છે.

સુરકા ગામની આ સગીરા જયારે સ્કૂલે જઈને પરત ફરતી હતી ત્યારે ગામના કેટલાક યુવાનો તેને પજવતા હતા. આ વાત સહન ન થતાં તેણે ઝેરી દવા પીધી હતી. ત્યારે આ ઘટના બાદ ભયભીત પરિવારે કોઈને જાણ નહોતી કરી અને અંતિમ સંસ્કાર કર્યા હતા.

પરંતુ મૃતક સગીરાની બહેનપણીએ આ સમગ્ર ઘટના સામે લાવી હતી. ત્યારબાદ સુરતના પાટીદાર આગેવાનોએ આ ઘટના મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. રાજ્ય ગૃહમંત્રી સુધી ફરિયાદ પહોંચતા હવે ભાવનગર પોલીસ ધંધે લાગી ગઈ છે.

ત્યારે આજે સુરતના આગેવાનોએ ભાવનગર આવીને રેન્જ આઇજી ગૌતમ પરમારને પણ આ ઘટના મામલે રજૂઆત કરી હતી અને આરોપીઓને પકડીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી આવારા તત્વો અને લુખ્ખાઓ સહિત વ્યાજખોરો આતંક વધ્યો છે.

ત્યારે આ ઘટના અંગે ભાવનગર રેન્જ આઈ.જી ગૌતમ પરમારે જણાવ્યુ હતુ કે, સમગ્ર ઘટનાને લઈને પોલીસ તપાસ શરૂ છે અને તેઓ પોતે સુરકા ગામની મુલાકાત લઈને યોગ્ય તપાસ કરી પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.