રાજ્ય સરકારની લોનથી હેર કટિંગની દુકાન શરૂ કરનાર રાજપીપલાના કમલેશભાઈ આજે રૂ. ૨૫,૦૦૦ થી વધુ આવક મેળવતા થયા
(માહિતી) રાજપીપલા, આજે યુવાનો નોકરીની સાથોસાથ પોતાના ખાનગી વ્યવસાય તરફ આકર્ષાઈ રહ્યાં છે. ટૂંકમાં પોતાનો વ્યવસાય એટલે આપણે પોતે આપણા સમયના માલિક. પરંતુ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રબળ ઇચ્છાશક્તિની સાથે આર્થિક સ્થિરતા પણ જરૂરી છે. પરંતુ જાે હાથમાં નાણા જ ન હોય અને તમને પોતાનો વ્યવસાય નાખવો હોય તો મદદ કરશે કોણ? ઘણી વાર પોતાના સગાસબંધીઓ આપણે મદદ કરતા હોય છે, પરંતુ વારંવાર એવુ શક્ય હોતુ નથી.
અંતે પ્રશ્ન ઉભો થાય કે પોતાના વ્યવસાય માટે લોન કેવી રીતે મળશે ? પરંતુ નર્મદા જિલ્લાનું વડુમથક રાજપીપલાના રાજેન્દ્રનગર સોસાયટીમાં રહેતા કમલેશકુમાર આર. નાઈકમલેશભાઈ જેવા મહેનતી યુવાન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વાજપેયી બેંકેબલ યોજનાનો લાભ લઈને આજે પગભર બન્યા છે. આજે પોતાના મહેનતથી તેમનો વ્યવસાય ફૂલ્યોફાલ્યો છે અને ખુબ જ ઉત્સાહથી પોતાના વ્યવસાયમાં સમય આપી રહ્યાં છે.
આજે કમલેશભાઈ પોતાના વ્યવસાયથી રૂ.૧૮ થી ૨૫ હજારથી વધુની માસિક આવક મેળવી રહ્યાં છે. કમલેશભાઈ સાથે ચર્ચા કરતા જાણવા મળ્યુ કે, તેઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કામગીરી તેમજ યોજનાકીય લાભની માહિતી અખબાર થકી મેળવી હતી. જે બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં પોતાના જરૂરી દસ્તાવેજાે/પ્રમાણપત્રો સાથે કુલ રૂ.૧,૭૫,૦૦૦ ની લોન માટેની અરજી કરી હતી. દસ્તાવેજાેની ખરાઈ કર્યા બાદ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ભલામણથી બેન્ક દ્વારા તેઓને લોન માટે કરેલ અરજીની કુલ રકમના ૨૦ ટકા જેટલી સબસિડીનો લાભ મળ્યો છે. આજે કમલેશભાઈ રૂ.૨૫,૦૦૦ થી વધુની માસિક આવક મેળવી રહ્યાં છે.
તેઓ આર્થિક રીતે પગભર તો બન્યા જ છે. સાથોસાથ તેમના પરિવારના જીવનધોરણમાં પણ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની વાજપેયી બેંકેબલ યોજનાના ખરેખર રાજપીપલાના કમલેશભાઈ માટે આશિર્વાદરૂપ બની છે. કમલેશકુમાર આર. નાઈને ઘણા સમયથી પોતાની હેર કટિંગની દુકાન નાખવાની ઈચ્છા હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફત લીધેલી લોનથી આજે તેમની હેરકટિંગની દુકાનનું સપનું સાકાર થયુ છે, તે માટે તેઓએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સહિત જિલ્લા વહિવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અનેકવિધ યોજનાઓ સાથે સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ લઈને આપની યુવા પેઢી દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપી રહ્યાં છે.