અમદાવાદમાં ડેન્ગ્યૂ, ટાઈફોઈડ, સ્વાઈનફલૂ અને ઓરીના કેસમાં ચિંતાજનક હદે વધારો
ચાલુ વર્ષે ડેન્ગ્યૂના ર૪૦૦ કેસ નોંધાયા-ડીસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં ઝાડા ઉલ્ટીના ૨૧૨, કમળાના ૨૦૧, ટાઈફોઈડના ૨૩૦ જેટલા કેસો નોંધાયા છે.
(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં પાણીજન્ય તેમજ મચ્છરજન્ય રોગચાળો બેકાબુ બની રહયો છે. શહેરમાં ટાઈફોઈડ, કમળો, ડેન્ગ્યુ અને ચીકનગુનીઆ જેવા રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો જાેવા મળ્યો છે સાથે સાથે ઓરી અને સ્વાઈનફલૂના કેસ પણ વધી રહયા છે જેના કારણે મ્યુનિ. આરોગ્ય અધિકારીઓ દોડતા થઈ ગયા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે ડીસેમ્બર મહિનાના પ્રથમ પખવાડિયામાં ઝાડા ઉલ્ટીના ૨૧૨, કમળાના ૨૦૧, ટાઈફોઈડના ૨૩૦ જેટલા કેસો નોંધાયા છે.
ગત વર્ષો કરતા ચાલુ વર્ષે પાણીજન્ય રોગોમાં વધારો થયો છે. ચાલુ વર્ષ દરમ્યાન ૧૭ ડીસેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના ૬૪૪૭, ટાઈફોઈડના ૩૦૦૩ અને કમળાના ૨૩૯૩ તેમજ કોલેરાના ૩૪ કેસ નોંધાયા છે. ડીસેમ્બરના પ્રથમ પખવાડીયામાં જ ડેન્ગ્યુના ૧૦૪, મેલેરિયાના ૧૬, ચિકનગુનિયાના ૮ કેસો નોંધાયા છે.
ચાલુ વર્ષ દરમ્યાન ડેન્ગ્યુના કુલ ૨૪૬૧ તેમજ ચિકનગુનિયા ના ૨૭૪ કેસ સાદા મેલેરીયાના ૧ર૬૬ તેમજ ઝેરી મેલેરિયાના ૧૭૪ કેસ નોંધાયા છે. શહેરમાં છેલ્લા ત્રણ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં ચિંતાજનક હદે વધારો થયો છે તેમજ ઓગસ્ટથી નવેમ્બર મહીના સુધીના સમયગાળા દરમિયાન ડેન્ગ્યુના ર હજાર કરતા વધારે કેસ નોંધાયા છે જે કુલ કેસના લગભગ ૮૦ ટકા જેટલા છે.
ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના રપ૬, સપ્ટેમ્બરમાં ૯૬૯ ઓકટોબરમાં ૬ર૦ તેમજ નવેમ્બરમાં ૩૮પ કેસ કન્ફર્મ થયા હતા આ સમયગાળા દરમિયાન ત્રણ વ્યકિતના કરૂણ મૃત્યુ પણ થયા છે.
ચાલુ વર્ષે ર૦ર૦ની સરખામણીએ ડેન્ગ્યુના કેસમાં લગભગ છ ગણો વધારો થયો છે. ર૦ર૦માં ડેન્ગ્યુના માત્ર ૪૩ર કેસ નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે ર૪૬૧ કેસ કન્ફર્મ થઈ ચુકયા છે. શહેરમાં ડેન્ગ્યુની સાથે સાથે સ્વાઈનફલૂના કેસ પણ વધી રહયા છે. શહેરમાં ચાલુ વર્ષ દરમિયાન સ્વાઈનફલૂના ૧૧૪૦ કેસ નોંધાયા છે
જયારે ૧૪ વ્યકિતના કરૂણ મૃત્યુ થયા છે. ઓગસ્ટ મહિનામાં સ્વાઈનફલૂના ૭૩૮ કેસ અને ૬ મરણ, જયારે સપ્ટેમ્બર મહિનામાં ર૮૩ કેસ અને ૭ મરણ કન્ફર્મ થયા હતાં. સ્વાઈનફલૂના ૧૧૪૦ કેસમાં ૬૬૭ પુરૂષો અને ૪૭૩ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે.
વયજૂથ મુજબ જાેવામાં આવે તો ૦ થી પ વર્ષ સુધીમાં ૭પ, ૬ થી ૧પ વય જૂથમાં ૧૧૮, ૧૬ થી ૪૦ વયજૂથમાં ૩૩૬, ૪૧થી પપની વય જૂથમાં ર૬૬ અને પ૬ કે તેથી વધુ વયમાં ૩૪પ કેસ કન્ફર્મ થયા છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઓરીના કેસ પણ વધી રહયા છે શહેરમાં છેલ્લા ત્રણ મહિના દરમિયાન ઓરીના ૩૦૦ કરતા વધુ કેસ નોંધાયા છે જયારે ચાલુ વર્ષે કુલ કેસની સંખ્યા લગભગ પ૦૦ થઈ છે જેમાં ઓકટોબર મહિનામાં ઓરીના ૧૧ર, નવેમ્બરમાં ૧૭૦ અને ડીસેમ્બર મહિનામાં પર જેટલા કેસ નોંધાયા છે.
મ્યુનિ. કોર્પો. દ્વારા ઓરીના રોગચાળાને કાબુમાં લેવા માટે વેક્સિન આપવામાં આવી રહી છે તેમ છતાં હજી નોંધપાત્ર પરિણામ મળ્યા નથી. જેના કારણે બાળકોને રસીનો એક બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહયો છે જે બાળકમાં શંકાસ્પદ જણાય તે બાળકોને વીટામીન એ નો ડોઝ પણ આપવામાં આવી રહયો છે.