NFSUના પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, ઇન્ડિયન સોસાયટી ઑફ ક્રિમિનોલોજીના સૌપ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા
અમદાવાદ,પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરને તા.૧૮મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બે ટર્મ માટે ઇન્ડિયન સોસાયટી ઑફ ક્રિમિનોલૉજીના અધ્યક્ષ તરીકે સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. પ્રો. (ડૉ.) પોખરિયાલ ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિમીનોલોજીના છેલ્લા ૫૨ વર્ષોના ઈતિહાસમાં સૌપ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, અધ્યક્ષ અને નાયબ અધ્યક્ષની પસંદગી એક જ સંસ્થા એવી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માંથી થઈ છે, તે પણ એક વિશિષ્ટ બાબત છે. આ પ્રસંગે બુધવારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે એક સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડૉ. જે.એમ. વ્યાસ, કુલપતિ-NFSU દ્વારા પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલનું ગુના નિવારણ પર કામ કરતી રાષ્ટ્રીય સંસ્થામાં પસંદગી બદલ પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું. ડો. જે.એમ. વ્યાસે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી માટે એ ગૌરવની વાત છે કે તેઓ વધુ એક રાષ્ટ્રીય સંસ્થાનું નેતૃત્વ કરશે. અમે સૌ તેઓની સફળતા માટે શુભકામના વ્યક્ત કરીએ છીએ. હવે ક્રિમિનોલોજી અંગેની આગામી નેશનલ કોન્ફરન્સનું યજમાન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી બની શકે છે.
સન્માન બાદ, પ્રો. (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર-નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી, ગાંધીનગરે જણાવ્યું હતું કે પ્રો. (ડૉ.) બિહુલા શેખર, ડીન-સ્કૂલ ઑફ બિહેવિયરલ સાયન્સની પણ નાયબ અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી છે. ઈન્ડિયન સોસાયટી ઓફ ક્રિમિનોલોજીના અધ્યક્ષ તરીકે નિમણૂક થવાનો સંપૂર્ણ શ્રેય કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસને આપીને પ્રો. પોખરિયાલે જણાવ્યું હતું કે પદ્મશ્રી, ડો. જે.એમ. વ્યાસ દ્વારા મને હંમેશા પ્રોત્સાહન અને પ્રેરણા પ્રાપ્ત થઈ છે.