શાળાએ જતાં બાળકોનાં પોષણ માટે શું ધ્યાન રાખવું ?
બાળકોને સ્કૂલનાં લંચબોક્સમાં બેસન, દાળીયાની દાળ, શીંગદાણા, કોપરું, તલની વિવિધ વાનગીઓ આપવાથી પ્રોટીન અને શક્તિ બંને ભરપૂર માત્રામાં બાળકોને મળી રહે છે
શાળાએ જતાં બાળકો એટલે ૬ વર્ષથી ઉપરના બાળકો, ખાસ કરીને ૬-૯ વર્ષનો સમયગાળો બાળકોના વિકાસ માટે ખૂબ અગત્યનો છે. એમાએ બાળકોનો વિકાસ સારો થશે કે રુંધાઈ જશે એ બન્ને બાબતો બાળકોને આ સમયગાળામાં કેવું પોષણ મળે છે તેના ઉપર આધાર રાખે છે.
આ સમયગાળામાં છોકરાઓ અને છોકરીઓ બન્નેનો વિકાસ દર સરખો રહે છે પણ બહુ જ જલ્દી છોકરીઓ શારીરિક વિકાસમા વજન-ઉંચાઈમાં છોકરાઓને પાછળ રાખી દે છે. કિશોરાવસ્થા દરમિયાન છોકરાઓ કરતાં છોકરીઓની પોષણકીય જરૂરિયાતો વધુ હોય છે પણ ખાસ ધ્યાનમાં રાખો કે શાળાએ જતાં છોકરાઓ અને છોકરીઓની પોષણકીય જરૂરિયાતો સમાન હોય છે. આજે આપણે શાળાએ જતાં ૬-૧૦ વર્ષના બાળકોમાં વિવિધ પોષકતત્વોની જરૂરિયાત કેટલી હોય છે તે વિષે વાત કરીશું.
પહેલા તો તમે જાતે જ ચેક કરો કે તમારા બાળકનો વિકાસ યોગ્ય છે કે નહીં, જેમ કે આ ઉંમરના છોકરાઓની સરેરાશ ઉંચાઈ ૬ વર્ષે ૧૧પ સેન્ટીમીટર અને ૧૦ વર્ષ થતાં ૧૩૮ સેન્ટીમીટર થવી જાેઈએ જયારે છોકરીઓની ઉંચાઈ ૬ વર્ષ ૧૧૪થી ૧૦ વર્ષ થતાં ૧૩૭ સેન્ટીમીટર થવી જાેઈએ. આજ રીતે વજન ૧૮ કિલોથી રપ કિલો થવું જાે તમારું બાળક પણ આ મુજબ વજન-ઉંચાઈ ધરાવતું હોય તો તેનો વિકાસ યોગ્ય થઈ રહ્યો છે એમ માનવું અને જાે આમ ના હોય તો પોષણનું વિશેષ ધ્યાન આપવું.
શાળાએ જતાં બાળકોના વૃદ્ધિ વિકાસ માટે સૌથી અગત્યનું પોષકતત્વ શક્તિ છે. શક્તિ એટલે કેલોરી ૬ થી ૯ વર્ષ દરમિયાન બાળકોને સરેરાશ ૧૯પ૦ કિલો કેલરી રોજિંદી જાેઈએ. આ માટે બાળકોના આહારમાં અનાજ અને ધાન્ય મુખ્ય આહાર હોવા જાેઈએ. આધુનિક મમ્મીઓએ એક વાત ખાસ ધ્યાન રાખવાની છે કે બાળક વિવિધ પ્રકારના અનાજ ઓળખતા અને ખાતા શીખે કેમ કે આજે શાળાએ જતાં બાળકો મોટેભાગે ઘઉં અને ચોખાથી બનતી વાનગીઓ જ ખાતાં હોય છે.
વધુ ગંભીર બાબત તો એ છે કે મમ્મીઓ જાણે અજાણે બાળકોની પ્લેટમાં અનાજની બદલે મેંદો ઠાલવી રહી છે. બિસ્કિટ, પફ, નાનખટાઈ મેંદાના ખાખરા, સમોસા, પાણીપુરીની પુરી, દાબેલી, પાઉભાજી વગેરે જે બાળકોની ભાવતી વાનગીઓ છે અને મમ્મી બાળકોને હોંશે-હોંશે ખવડાવે છે તે બધી મેંદાની બનેલી હોય છે. મેંદો બાળકોને ગંભીર નુકસાન કરે છે એટલે શાળાએ જતા બાળકોને મેંદો બંધ કરીને બાજરો, જુવાર, રાજગરો જેવા શક્તિદાયક ધાન્યો પણ ખાસ આપવા જાેઈએ.
શાળાએ જતાં ૬-૯ વર્ષના બાળકોને પ્રોટીન પણ એક આવશ્યક પોષકતત્વ છે અને રોજના ૧૬ થી ર૩ ગ્રામ જેટલું પ્રોટીન મળવું જાેઈએ. બાળકોને પ્રોટીન માટે દૂધ, દહીં, પનીર સૌથી ઉત્તમ અને સલામત સ્ત્રોત છે ત્યારબાદ ભોજનમાં વિવિધ દાળ અને કઠોળના શાક પણ ખાવાની ટેવ પાડવી જાેઈએ. બાળકોને ભાવે અને સરળતાથી પચે તેવા કઠોળમાં મગ, મઠ, ચણા અને રાજમા ગણાવી શકાય.
બાળકો કદાચ દૂધ અને દાળ ન ખાય ત્યારે સ્કૂલના લંચબોકસમાં બેસન, દાળીયાની દાળ, શીંગદાણા, કોપરુ, તલની વિવિધ વાનગીઓ આપવાથી પ્રોટીન અને શક્તિ બંને ભરપુર માત્રામાં બાળકોને મળી રહે છે. સાથે સાથે એ પણ ધ્યાન આપવું જાેઈએ કે શાળાએ જતાં બાળકોની ઉંચાઈ વધવી ખૂબ જરૂરી છે. ઉંચાઈ ત્યારે જ વધે જયારે હાડકાંનો વિકાસ થાય.