ઓનલાઇન ઓર્ડર કરી સોમનાથ મહાદેવના પીતાંબર, પાર્વતી માતાની સાડી ભકતો મેળવી શકશે
સોમનાથ ટ્રસ્ટ દ્વારા શરૂ કરાઇ ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ સેવા
સોમનાથ, ભકતો ને સોમનાથ મહાદેવની નિકટતા નો અતુલ્ય અનુભવ કરાવવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયો છે.
સોમનાથ ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્ર દેસાઈ સહિત અન્ય મહાનુભાવોની હાજરીમાં કોલકતા ના આદ્યશક્તિ પીઠ ના મહંત સ્વામી સંતાનંદ પુરીજી મહારાજના કરકમલો થી માસિક શિવરાત્રી ના પાવર પર્વ પર ઓનલાઇન વસ્ત્ર પ્રસાદ દેવાનો શુભારંભ કરાયો હતો.
સોમનાથ ટ્રસ્ટની ઓફિશિયલ વેબસાઈટ www.somnath.org પર શ્રદ્ધાળુઓ પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવને શૃંગાર કરાયેલા ધોતી,પીતાંબર અને માતા પાર્વતીને અર્પણ કરાયેલ સાડી, સોમનાથ મંદિર પર આરોપિત કરાયેલા ધ્વજાજી પ્રસાદી સ્વરૂપે ઓનલાઇન ઓર્ડર કરી શકાશે. સાથે જ મહાદેવને અર્પણ કરાયેલ વસ્ત્રોમાંથી બનેલ વેસ્ટકોટ પણ ભક્તો આ સેવા અંતર્ગત ઓનલાઇન ઓર્ડર કરી શકશે.
શાસ્ત્રો અને પુરાણો શિવજીને કલ્યાણકારી કહે છે ત્યારે ચંદ્રને શાંતિ આપનાર શ્રી સોમનાથ જ્યોતિર્લંગને અર્પણ કરાયેલા વસ્ત્રો ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે.ભક્ત આ વસ્ત્રો પૂજા કાર્યો,શુભ અવસરો પર પેહરીને શિવત્વ નો અલૌકિક અનુભવ મેળવતા હોય છે.
ભક્તો દ્વારા છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટ પાસે આ સેવાનો લાભ આપવા અનુરોધ કરાયો હતો. ત્યારે ભક્તો ઘરે બેઠા શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ ને સ્પર્શ કરેલ અને શૃંગારમાં ઉપયોગમાં લેવાયેલ વસ્ત્રો પ્રસાદ સ્વરૂપે ઓર્ડર કરી શકશે.
દેશના યશસ્વી પ્રધાન મંત્રી શ્રી અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના ડિજિટલ ભારતના સ્વપ્નમાં સોમનાથ ટ્રસ્ટ વસ્ત્ર પ્રસાદ સેવા શરૂ કરીને વધુ એક કદમ આધુનિકતા અને ભક્તિ ના સમન્વય તરફ ભરી રહ્યું છે.