ભરૂચ GIDCની વેક્સ ઓઈલ કંપનીમાં ભીષણ આગ લાગતાં લાખો રૂપિયાનું નુકશાન
આગના પગલે ૧૫ થી વધુ ફાયર ટેન્ડરો દોડી આવી ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીઆઈડીસી વિસ્તારની વેક્સ ઓઈલ કંપનીના ૨ ગોડાઉનો આગની લપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આકાશમાં ઊંચે સુધી ધુમાડાના ગોટે ગોટા પહોંચતા સમગ્ર વાદળ ઘેરાયું હતું.આગના પગલે ૧૫ થી વધુ ફાયર ટેન્ડરો ધટના સ્થળે પહોંચી પાણી અને ફોર્મ નો મારો ચલાવી ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
ભરૂચ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ભોલાવ ગ્રામ પંચાયતની હદમાં વેક્સ ઓઈલ ફેક્ટરીમાં આજરોજ બપોરના સમયે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા સમગ્ર કંપનીના ગોડાઉનનો આગની ઝપેટમાં આવી ગયા હતા અને જાેત જાેતામાં બે ગોડાઉનનો માં રહેલો લાખો લિટર ઓઈલ સહિતની સામગ્રી અને મશીનરી આગની લપેટમાં આવી ગઈ હતી.આગ એટલી વિકરાળ હતી કે ઓઈલ ભરેલા ડ્રમ પણ ઝપેટમાં આવતા ધડાકા સાથે ફાટી રહ્યા હતા.જેના પગલે આજુબાજુની લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
આગની જાણ ફાયર ફાઈટરને કરાતા વિવિધ કંપની સહિત ભરૂચ પાલિકાના ૧૫થી વધુ ફાયર ફાઈટરો સ્થળ ઉપર દોડી આવ્યા હતા.તો આગની જાણ થતાં એસડીએમ, જીપીસીબી, મામલતદાર, ફેકટરી ઈન્સ્પેકટર સહિતના અધિકારીઓ અને પોલીસ કાફલો દોડી આવ્યો હતો. વેક્સ ઓઈલ કંપનીમાં મોટા પ્રમાણમાં જ્વલનશીલ ઓઈલ હોવાના કારણે આજુબાજુના લોકોની પણ ચિંતામાં વધારો થયો હતો.જાેકે ફાયર લશ્કરો દ્વારા
સતત કલાકો સુધી પાણી અને ફોર્મનો મારો ચલાવી ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા મળતા સૌએ હાસ્કારો અનુભવ્યો હતો.પરંતુ આગ કયા કારણોસર લાગી હતી,કંપનીમાં કેટલો જથ્થો હતો સહિત કેટલું નુકસાન થયું છે તે માહિતી મેળવવાની કવાયત ચાલી રહી હોવાની માહિતી ભરૂચના એસડીએમ યુ એન જાડેજાએ જણાવ્યું હતું
જ્યારે કોઈ કંપનીમાં આગની દુર્ઘટના ઘટે ત્યારે કંપનીમાં રહેલા ફાયર સાધનો કામ લાગતા નથી પરંતુ તાજેતરમાં ભરૂચ જીઆઈડીસીમાં આવેલ વેક્સ ઓઈલ કંપનીમાં આગની ઘટના ઘટી હતી.જેમાં ફાયર સેફ્ટીના સાધનો સામે સવાલો ઉભા થયા છે.શું આ કંપની પાસે ફાયર એનઓસી હતી ખરી? વિપુલ પ્રમાણમાં ઓઈલનો જથ્થો રાખવાના કારણે આગની મોટી દુર્ઘટના ઘટી હોવાનો જવાબદાર કોણ? જેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.
પૂર્વ પટ્ટી વિસ્તારમાં આગની દુર્ઘટના ઘટે તો સ્થળ ઉપર સમયસર ફાયર ફાઈટર પહોંચે તે માટે ભરૂચ નગરપાલિકા દ્વારા જ્યોતિનગર નજીક બે વર્ષ પહેલા ફાયર સ્ટેશન ઉભુ કરવામાં આવ્યું હતું અને ફાયર સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.પરંતુ નગરપાલિકા પાસે સાધન ખરીદવા માટે રૂપિયાનો અભાવ હોવાની ચર્ચા વચ્ચે સમગ્ર ફાયર સ્ટેશન બે વર્ષથી લોકાર્પણ બાદ પણ શોભાના ગાંઠિયા સમાન બની ગયું છે.