નવા બનાવવામાં આવેલ રોડ પર કોન્ટ્રાકટરના નામ સાથેની તકતી મુકાશેઃ હિતેશ બારોટ
કોમર્શિયલ બિલ્ડિંગોના માર્જીનમાં થતાં દબાણ દુર કરવામાં આવશે
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં પણ રોડ તૂટી જવાના કેસમાં વધારો થયા બાદ નવા બનાવવામાં આવેલ રોડ પર કોન્ટ્રાકટરના નામ સાથેની તકતી મુકવામાં આવશે તેમજ માર્જિનમાં થતા દબાણ દુર કરવા માટે સ્ટેન્ડિગ કમિટી તરફથી જવાબદાર અધિકારીઓને સુચના આપવામાં આવી છે.
મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટે આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે મોટા કોર્મશિયલ કોમ્પલેક્ષોમાં માર્જીનની જગ્યા લારી-ગલ્લા વાળાને ભાડે આપી આવક કરવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે તેથી એસ્ટેટ વિભાગને આ પ્રકારના દબાણ દુર કરવા સુચના આપવામાં આવી છે.
જે વિસ્તારમાં ટીપી રોડ ખોલવામાં આવ્યા હોય તે વિસ્તારમાં ડીમાર્કેસન કરી નવા રોડ બનાવવામાં આવે તે માટે કમિટિમાં ચર્ચા થઈ હતી પરંતુ નવા રોડ બનાવતા પહેલા ડ્રેનેજ અને પાણીના નેટવર્ક સહિતના તમામ કામો પુરા કરવા માટે પણ સુચના આપવામાં આવી હતી.
રોડ તુટવાના વધી ગયેલ બનાવ બાદ જે નવા રોડના કામ પૂર્ણ થયા છે તે સ્થળે રોડ તૈયાર કરનાર કોન્ટ્રાકટરના નામ, ખર્ચની વિગત અને લાયબેલીટી પીરીયડ સહિતની માહિતી મુકવામાં આવશે.
મ્યુનિ. કોર્પો. દ્વારા મેલેરિયાને નિયંત્રણમાં લેવા માટે કોલ્ડ ફોગીંગ મશીન વસાવવામાં આવ્યા છે પરંતુ તેનો પુરતો ઉપયોગ થતો નથી. આ પ્રકારના પોર્ટેબલ ફોગીંગ મશીનનો ઉપયોગ શરૂ થાય અને વોર્ડ દીઠ ત્રણ જેટલા મશીન ફાળવવામાં આવે તે મુજબની સુચના પણ હેલ્થ વિભાગને આપવામાં આવી છે.
મ્યુનિ. કોર્પો.માં અનેક કર્મચારીઓ એક હજાર કરતા વધુ દિવસથી એક જ જગ્યાએ કામ કરી રહયા છે. ચુંટણી પહેલા આવા સાતસો જેટલા કર્મચારીઓની બદલી કરવામાં આવી હતી હવે બાકી રહેલા કર્મચારીઓની બીજા રાઉન્ડમાં બદલી થશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.