ઉમલ્લા – ઝઘડીયા વચ્ચે ધોરીમાર્ગ પર રોંગસાઇડે જતા વાહનોની સમસ્યા
ભરૂચ: સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતા અંકલેશ્વર થી રાજપીપલા ના ધોરીમાર્ગ પર દોડતા વાહનોની સંખ્યામાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.અસંખ્ય વાહનોની અવરજવર થી ચોવીસ કલાક જીવંત રહેતા આ માર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માતો સર્જાય છે.ઘણીવાર આ અકસ્માતો જીવલેણ પણ બન્યા છે.ઝઘડીયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ ભરૂચ જીલ્લામાં આગળ પડતા સ્થાને ગણાય છે.ત્યારે તાલુકામાંથી પસાર થતાં આ મહત્વના ધોરીમાર્ગ પર દિવસે દિવસે વધી રહેલા અકસ્માતો થી ચિંતા ની લાગણી ફેલાવા પામી છે.
ઉમલ્લા થી ઝઘડીયા વચ્ચે ઘણા વાહનો રોંગસાઇડ નો ઉપયોગ કરીને દોડતા હોવાની વ્યાપક ચર્ચાઓ ઉઠવા છતાં આવા વાહનો ને જાણે રોંગ સાઈડે જવાનો પરવાનો મળી ગયો હોય એમ છુટ થી નિયમો નો ભંગ થતો દેખાય છે.ઉમલ્લા રાજપારડી અને ઝઘડીયા ના ચાર રસ્તાઓ પર ટ્રાફિક પોલીસ ના જવાનો ફરજ બજાવે છે.
છતાં કેમ વાહનો નિયમો નો ભંગ કરીને દોડેછે?એ બાબત જનતામાં પ્રશ્નાર્થ સર્જે છે.ઘણીવાર ટ્રાફિક પોલીસના કેટલાક જવાનો તેમને જે જગ્યાએ ફરજ બજાવવાની કામગીરી સોંપાઈ છે તેનાથી દુર બે ત્રણ કીલોમીટર દુર ઉભેલા દેખાતા હોવાની પણ લોકચર્ચાઓ જાણવા મળી છે.
રાજ્ય સરકારે ઘણા બધા ચેકપોસ્ટ રદ કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.ત્યારે પોતાની ફરજના સ્થળથી અલગ જગ્યાએ જઈને ઉભા રહેવાની તેમને કાયદેસરની મંજુરી મળેલી છે કે કેમ તે પણ તપાસનો વિષય છે.ત્યારે આ ધોરીમાર્ગ પર અવારનવાર અકસ્માત સર્જતા રોંગ સાઈડે દોડતા વાહનો પર અંકુશ લાવવા તંત્ર કવાયત હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લુ મુકાયે લાંબો સમય વિતવા છતાં તેને જોડતા આ મહત્વના ધોરીમાર્ગ પર નિયમોનો ભંગ કરી દોડતા વાહનો પ્રત્યે તંત્ર લાલ આંખ કરીને તેમને નિયમોનું ભાન કરાવે તોજ તે વાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ની શોભા અને મોભાને અનુરૂપ ગણાશે.