અમેરિકામાં બર્ફીલા તોફાનના કારણે ૪૮ લોકોના મોત
ન્યુજર્સી, નાતાલના દિવસે પણ પૂર્વીય અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં બોમ્બ ચક્રવાતોએ વિનાશ વેર્યો હતો. શિયાળાના આ ભીષણ તોફાનને કારણે ભારે હિમવર્ષા અને કાતિલ ઠંડીને કારણે રવિવારે નાતાલનો દિવસ પણ લાખો અમેરિકનો માટે જાેખમ અને મુશ્કેલીથી ભરેલો રહ્યો હતો.
સૌથી વધુ ખરાબ સ્થિતિ પશ્ચિમ ન્યૂયોર્કના બફેલોમાં મળી હતી. બરફના તોફાને આખા શહેરને લાચાર બનાવી દીધું છે. ઇમરજન્સી સેવાઓ પણ આ તારાજીથી પ્રભાવિત વિસ્તારોમાં પહોંચવામાં અસમર્થ બની છે. સમગ્ર અમેરિકામાં બરફના આ ભયંકર તોફાનને કારણે અત્યાર સુધીમાં ૪૮ લોકોનાં મોત નીપજ્યાં છે.
એએફપીએ આપેલા અહેવાલ મુજબ, ન્યૂયોર્કના ગવર્નર અને બફેલોના વતની કેથી હોચુલે જણાવ્યું હતું કે, આ વાતાવરણ એક યુદ્ધના મેદાન જેવું લાગે છે.
રસ્તાઓની બાજુમાં પડેલા વાહનોની સંખ્યા ચોંકાવનારી છે. જ્યાં આઠ ફૂટ (૨.૪ મીટર) બરફ પડ્યો છે અને વીજળી કાપને કારણે જીવન માટે વધુ જાેખમી સ્થિતિનું નિર્માણ થયું છે. હોચુલે રવિવારે સાંજે પત્રકારોને જણાવ્યું હતું કે શહેરના લોકો હજી પણ ખૂબ જ જાેખમી જીવલેણ પરિસ્થિતિનો સામોનો કરી રહ્યા છે. તેમણે આ વિસ્તારના દરેકને ઘરની અંદર રહેવાની ચેતવણી આપી હતી.
અમેરિકાના અનેક પૂર્વીય રાજ્યોમાં ૨,૦૦,૦૦૦થી વધુ લોકોને ક્રિસમસ વીજળી વગર પસાર કરવાનો વારો આવ્યો હતો. અમેરિકાના ૯ રાજ્યોમાં બોમ્બ સાઈક્લોનના કારણે ૩૧ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જેમાં કોલોરાડોમાં ૪ લોકોના મોતનો પણ સમાવેશ થાય છે. ન્યૂયોર્ક રાજ્યમાં ઓછામાં ઓછા ૧૨ લોકોના મોત થયા છે. ત્યાં અધિકારીઓએ ચેતવણી આપી છે કે મોતનો આંકડો વધી શકે છે.
ઇમરજન્સી સર્વિસ સ્ટાફ બચાવ માટે મદદની જરૂરિયાતવાળા લોકોને શોધવા માટે સખત મહેનત કરી રહ્યો છે. તેમને કલાકો સુધી વાહનોમાં અને બરફ નીચે મૃતદેહોની શોધ કરવી પડે છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ફ્રોઝન પાવર સબસ્ટેશનોને કારણે મંગળવાર સુધી કેટલાક લોકોના ઘરે વીજળી પાછી ફરવાની અપેક્ષા નહોતી.
જ્યારે એક થીજી ગયેલા સબસ્ટેશન ૧૮ ફૂટ બરફ નીચે દટાયા હોવાનું કહેવાય છે. ટ્રેકિંગ વેબસાઈટ Flightaware.com અનુસાર, રવિવારે ૨૪૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. નાતાલના સમગ્ર દિવસ દરમિયાન એટલાન્ટા, શિકાગો, ડેનવર, ડેટ્રોઇટ અને ન્યૂયોર્ક સહિતના એરપોર્ટ પર મુસાફરોને અનેક મુશ્કેલીઓ પડી અને તેઓને એરપોર્ટ પર જ રહેવાનો વારો આવ્યો હતો.SS1MS