ઓલપાડ તાલુકાની ધનશેર પ્રાથમિક શાળામાં બાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું
હાંસોટ, ઓલપાડ તાલુકાની કાંઠા વિસ્તાર સ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ધનશેર પ્રાથમિક શાળાનાં બાળકોને ‘ટીમ એક પ્રયાસ’ દ્વારા તિથિ ભોજન (લાઈવ પીઝા અને કોકો ) કરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગામનાં સરપંચ શ્રીમતી મમતાબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે ‘ટીમ એક પ્રયાસ’નાં સેવાકીય કાર્યોને બિરદાવી તમામનું સ્વાગત કરી ગામ અને શાળા પરિવાર વતી આભાર વ્યક્ત કર્યો હતો. તેમની સાથે શાળા વ્યવસ્થાપન સમિતિનાં અધ્યક્ષ કાંતિભાઈ પટેલે પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
શાળાનાં આચાર્ય રસિકભાઈ રાઠોડે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે ‘ટીમ એક પ્રયાસ’ છેલ્લાં ઘણાં વર્ષોથી સેવાકીય પ્રવૃતિઓ કરી રહી છે જેમકે અનાથ બાળકોને ભોજન, કપડાં પૂરા પાડવા, હોસ્પિટલોમાં વિવિધ આરોગ્યની સેવાઓ, વિવિધ બાલ આશ્રમોનાં બાળકોનાં શિક્ષણ અને આરોગ્યલક્ષી સેવા, ડાંગ જેવાં વિવિધ અંતરિયાળ જિલ્લાઓમાં જરૂરિયાત મુજબની સેવાઓ પૂરી પાડે છે. તેમણે ઉમેર્યું હતું કે આજનાં યુવાનો વિવિધ વ્યસનો તરફ જઈ રહ્યા છે ત્યારે ‘ટીમ એક પ્રયાસ’ યુવાનોને તેનાંથી દૂર રહેવા માટે પ્રોત્સાહન પૂરું પાડી રહી છે જે ખૂબજ સરાહનીય કામગીરી છે.
આ સંસ્થા અને શાળાની પ્રગતિ માટે પિંજરતનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશભાઈ પટેલે શુભેચ્છા પાઠવી હતી. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.